ગાંધીનગરના મોટા ચીલોડા હિંમતનગર હાઇવે રોડ પરથી પસાર થતી રીક્ષામાં વિદેશી દારૃ હોવાની બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે પોલીસથી બચવા માટે રીક્ષા બ્રિજ નજીક મૂકીને અંધારાનો લાભ ઉઠાવી ડ્રાઈવર ખેતરમાં થઈને નાસી ગયો હતો. જેનાં પગલે પોલીસે 26 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂ. 1.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આગામી લોકસભા ચૂંટણીને લઈને ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીની ટીમ મોટા ચીલોડા હિંમતનગર હાઇવે રોડ ઉપર નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, એક સીએનજી રીક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરીને હિમતનગરથી અમદાવાદ તરફ જવાની છે. જે બાતમી હકિકત આધારે પોલીસે મહુદ્રા પાટીયા પાસે હિંમતનગરથી અમદાવાદ તરફ જતા હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી.
આ દરમિયાન બાતમી મુજબની રીક્ષા હિંમતનગર તરફથી આવતી જોઈને તેના ચાલકને ઈશારો કરીને રોકાઈ જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ રીક્ષાના ચાલકે પોલીસની સૂચનાની અવગણના કરી રીક્ષા ચીલોડા તરફ પૂરપાટ ઝડપે હંકારી મુકી હતી. જેનાં પગલે અગાઉથી તૈયારીઓ સાથે ઊભેલ પોલીસે સરકારી ગાડીમાં રીક્ષાનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરી દેવાયો હતો.
ત્યારે પોલીસ પકડી લેય એ પહેલાં ચીલોડા બ્રિજ નજીક રીક્ષાને રેઢિયાળ મૂકીને ચાલક અંધારાનો લાભ લઈ રોડ પાસેના ખેતરમાં થઈ નાસી ગયો હતો. બાદમાં પોલીસે રીક્ષાની તલાશી લેતાં અંદરથી પ્લાસ્ટિકના મીણિયામાં સંતાડેલ દારૂની 66 નંગ બોટલો કી રૂ. 26 હજારની મળી આવી હતી. તેમજ રીક્ષાના સ્ટિયરિંગ નીચેથી બે મોબાઈલ પણ મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે દારૃનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ રીક્ષા સહિત કુલ રૂ. 1. 07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.