ક્ષત્રિય આંદોલન પાછળ બીજું કોઈ નહીં પરંતુ ઘરના જ નેતાઓ જવાબદાર, ચૂંટણી પછી હાઈકમાન્ડ શિસ્તભંગના પગલાં લેશે …

Spread the love

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ખૂબ જ સરળતાથી સતત ત્રીજી વખત 26 બેઠકો જીતીને વિક્રમ રચશે એટલું જ નહીં મોટાભાગની બેઠકો 5,00,000 મતોથી જીતવાનું ભાજપનું લક્ષ્‍યાંક હતું. પરંતુ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુદ્ધની વિવાદાસ્પદ ટીપ્પણીએ સમાજમાં એવો વિરોધ અને આક્રોશ સર્જ્યો છે, જેને ભાજપના નેતાઓ હજુ સુધી શાંત કરી શક્યા નથી.

આ વિવાદથી ભાજપ હાઈકમાન્ડ પણ પરેશાન થઈ ગયો છે ત્યારે એક મોટો ઘટસ્ફોટ થયો છે કે આ ક્ષત્રિય આંદોલન પાછળ બીજું કોઈ નહીં પરંતુ ઘરના જ નેતાઓ જવાબદાર છે. જોકે, આ નેતાઓના નામ જાહેર કરાયા નથી. હવે બધાની નજર ચૂંટણી પછી હાઈકમાન્ડ દ્વારા લેવાનારા શિસ્તભંગના પગલાં પર છે.

ક્ષત્રિય સમાજના આંદોલન પાછળ ભાજપના જ એક પૂર્વ મંત્રી અને અન્ય કેટલાક નેતાઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ વાતની જાણ થતાં જ ભાજપ હાઈ કમાન્ડ ચોંકી ઊઠ્યું છે. ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ જેવી આ સ્થિતિમાં હાઈકમાન્ડે ચૂંટણી પૂરી થાય પછી આ કથિત બળવાખોરો સામે પગલાં લેવાની તૈયારી કરી લીધી છે.

પરષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટીપ્પણી મુદ્દે બે વખત માફી માગી. એટલું જ નહીં ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માગી હોવા છતાં ક્ષત્રિય સમાજના વિરોધનો મામલો થાળે નથી પડી રહ્યો. હજુય રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યથાવત્ છે. કેટલાક સૂત્રોના મતે ક્ષત્રિય આંદોલનને સળગતું રાખવામાં ખુદ ભાજપના જ કેટલાક મોટા ગજાના નેતાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ ચગાવીને તેમને હાંસિયામાં ધકેલી પક્ષમાં તેમનું વધી રહેલું કદ વેતરવા માગે છે. જોકે, આમ કરવા જતાં તેમણે પક્ષ માટે જ મુશ્કેલી વધારી દીધી છે.

ભાજપના આ અસંતુષ્ટ નેતાઓના રાજકીય પીઠબળના પગલે જ ખંભાળિયામાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ખુરશીઓ ઊછળી હતી અને નારાજ ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. આ આખીય ઘટના પાછળ ભાજપના એક પૂર્વ મંત્રીય હોવાનું બહાર આવ્યું છે. વધુમાં પક્ષની અંદર હાંસિયામાં ધકેલાઈ ગયેલા અન્ય કેટલાક નેતાઓએ પૂર્વ મંત્રીને મદદ કરી છે. હવે આ અસંતુષ્ટ નેતાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે. જોકે, ભાજપ મોવડીમંડળે આ નેતાઓ પરની કાર્યવાહી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા શિસ્તભંગના પગલાંના ડરથી કેટલાક નેતાઓએ તેમનું નામ જાહેર થાય તે પહેલાં જ ખુલાસો આપવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ ડૉ. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, રૂપાલા વિવાદમાં મારી કોઈ ભૂમિકા નથી. મારી ભૂમિકા સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. ભાજપના અસંતુષ્ટોમાં ભરત બોઘરાનું નામ હોવાથી તેમણે અગાઉથી જ ખુલાસો કરી દીધો હોવાનું સૂત્રોનું કહેવું છે. જોકે, બળવાખોર નેતાઓના ખુલાસા હાઈકમાન્ડના કેટલા ગળે ઉતરે છે તે તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *