દેશમાં એક યુનિવર્સિટીએ ખૂબ પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. પંજાબ યુનિવર્સિટીએ છોકરીઓ માટે માસિક રજાનું એલાન કર્યું છે. યુનિવર્સિટી તરફથી નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.નોટિફિકેશન અનુસાર, માસિક રજા સત્ર 2024-25 થી આપવામાં આવશે.
એક સેમેસ્ટરમાં 4 માસિક રજા મળશે. આ યોજના હેઠળ છોકરીઓ એક મહિનામાં એક માસિક રજા લઈ શકશે. છોકરીઓ એક વર્ષના સત્રમાં એટલે કે 2 સેમેસ્ટરમાં કુલ 8 રજા લઈ શકશે. 15 દિવસના શિક્ષણ કેલેન્ડરમાં વિદ્યાર્થીનીઓ દર મહિને એક દિવસની રજા લઈ શકશે.
જોકે છોકરીઓને પરીક્ષાના દિવસોમાં માસિક રજા લેવાની મંજૂરી નથી. પછી તે આંતરિક પરીક્ષાઓ હોય કે બાહ્ય પરીક્ષાઓ, મધ્ય સેમેસ્ટરની હોય કે અંતિમ અથવા છેલ્લા સત્રની પરીક્ષાઓ.
માસિક રજા લેવા માટે છોકરીઓએ સ્વ-પ્રમાણપત્ર આપવું પડશે.રજા લીધા પછી, પાંચ કામકાજના દિવસોમાં ફોર્મ ભરવાનું રહેશે જેની ચકાસણી થયા બાદ ચેરપર્સન અને ડિરેક્ટર દ્વારા રજાની મંજૂરી આપવામાં આવશે.
કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દેશની પહેલી યુનિવર્સિટી છે જ્યાં છોકરીઓને માસિક ધર્મની રજા મળે છે. તો કેરળ સરકારે પણ તમામ રાજ્ય યુનિવર્સિટીમાં માસિક ધર્મની રજાઓની જોગવાઈ કરી રાખેલી છે. આસામમાં ગુવહાટી, તેજપુર અને નેશનલ લો યુનિવર્સિટી, નાલસર યુનિવર્સિટી ઓફ લો હૈદરાબાદમાં દર સેમેસ્ટરમાં બે ટકા રજા માસિક ધર્મ માટે આપવામાં આવી છે.