અદાલતમાં પેન્ડીંગ કેસોને લઈને સોશિયલ મીડિયામાં ખોટા તથ્યો રજુ કરાતા હોવાના મામલે સુપ્રીમ કોર્ટે ચિંતા સાથે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ જરાપણ સહન નહીં કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અનિરુદ્ધ બોસ અને બેલા એમ.ત્રિવેદીની પીઠ ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટને ધ્યાનમાં લઈ તેની સામે અદાલતની અવગણનાની કાર્યવાહી કરી દીધી છે.
ખરેખર તો તે ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના પક્ષમાં નિર્ણય આપ્યો હતો જયારે હકીકત એ હતી કે કોર્ટ કાર્યવાહી પુરી થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એટલે અદાલતમાં કેસ પેન્ડીંગ રહ્યો છે.
કોર્ટે આ પોસ્ટ પર ચિંતા જાહેર કરતા કહ્યું હતું કે આ ગંભીર ચિંતાનો વિષય છે. આજકાલ સોશિયલ મીડીયાનો દુરુપયોગ ઘણો થઈ રહ્યો છે. કોર્ટમાં પેન્ડીંગ પડેલા કેસને સોશિયલ મીડીયા પર ટિપ્પણી અને પ્રતિક્રિયાઓ આવી રહી છે તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અધિકારની આડમાં અદાલતના અધિકારોને નબળુ પાડવાના વિચારથી કરવામાં આવેલી હોય છે.
સુનાવણી કરતા કોર્ટે સંકેત આપ્યો હતો કે કોઈપણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે તથ્યોને વિકૃત કરીને અને કાર્યવાહીના ખરા તથ્યોમાં ખુલાસો ન કરીને સોશિયલ મીડીયા પર ટિપ્પણી કે સંદેશ પોસ્ટ કરવાના અધિકારનો દાવો ન કરી શકે.