ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારને 48 કલાકની અંદર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આઈપીએસ અધિકારીના નામોની પેનલ પુરી પાડવા નિર્દેશ કર્યો છે.
આગામી ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાના અમલને કારણે રાજ્ય સરકારે નિમણૂકો તથા પ્રમોશનની પ્રક્રિયામાં આગળ વધતા પહેલા ચૂંટણી પંચની મંજૂરી મેળવવી જરૂરી છે.અધિકારીઓની બદલીઓ ઉપરાંત બઢતીઓ ચૂંટણી પ્રકિયાને પ્રભાવિત ન કરે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રમાણભૂત પ્રક્રિયા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ એકવાર રાજ્યમાં દરેક ખાલી પડેલી જગ્યાઓ માટે નામોની પેનલ આગળ મોકલવામાં આવે છે. થોડા દિવસમાં તેને મંજૂરી અપાય તેવી અપેક્ષા છે.
સુરતના પોલીસ કમિશનરની જગ્યા બે મહિનાથી ખાલી છે. જ્યારે ત્રણ રેન્જ આઈજી, ખેડા એસપી, મહેસાણા એસપી તથા અન્ય જગ્યાઓ પણ ખાલી પડેલી છે.
ગયા વર્ષના અંતમાં 4 આઈપીએસ અધિકારીઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર આગળ વધ્યા હતા. જ્યારે પાંચને 16 માર્ચના રોજ ઈલેક્શન કમિશન દ્વારા રજા અનામત પર મુકવામાં આવ્યા હતા.
દરમિયાન ગુજરાતમાં શુક્રવારના રોજ 26 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ હતી. સીઈઓ પી ભારતીએ શુક્રવારે જણાવ્યું હતું કે ઉમેદવારો 19 એપ્રિલ સુધી નિયુક્ત સ્થળોએ તેમના નામાંકન દાખલ કરી શકે છે. નામાંકનની ચકાસણી 20 એપ્રિલના રોજ થશે અને ઉમેદવારો 22 એપ્રિલ સુધીમાં તેમના નામાંકન પત્રો પાછા ખેંચી શકશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે ઈલેકટેરોનિક વોટીંગ મશીન (ઈવીએમ)નું બીજુ રેન્ડમાઈઝેશન ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાયા બાદ થશે.
મુખ્ય સૂંટણી અધિકારીની ઓફિસે પણ જાહેર કર્યું હતું કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી 86.82 કરોડ રૂપિયાની કિંમતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો અને ઉમેદવારો તેમના પર લાદવામાં આવેલી ખર્ચ મર્યાદાને વળગી રહે તે સુનિશ્ચિત કરવા માટે 756 ફ્લાઈંગ સ્કવોડની રચના કરી હતી. આ ટકડીઓ પ્રતિબંધિત વસ્તુઓની હિલચાલને પણ અટકાવે છે. તે સિવાય જપ્ત કરાયેલી રકમમાં 6.54 કરોડની રોકડનો પણ સમાવેશ થાય છે. અન્ય જપ્ત કરાયેલી વસ્તુઓમાં 11.73 કરોડની કિંમતનો દારૂ, 27.62 કરોડની કિંમતનું 45.37 કિલોગ્રામ સોનુ અને ચાંદી તથા 1.73 કરોડની કિંમતનો નશીલા પદાર્થનો સમાવેશ થાય છે.તે સિવાય આ ટીમોએ કાર, બાઈક, સિગારેટ, લાઈટર અને અન્ય ચીજો મળીને કુલ રૂ. 39.20 કરોડની સામગ્રી કબજે કરી હતી.