કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આજે સોમવારે રાજ્યની કેટલીય બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે. પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે મનસુખ માંડવિયા અને વસાવા સહિતનાઓએ ફોર્મ ભર્યું હતું. જોકે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે એ પહેલાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો અલગ અંદાજ જોવા મળ્યો હતો, જેમાં બનાસકાંઠાનાં ગેનીબેન ટ્રેક્ટર છોડી ક્રેટામાં બેઠાં હતાં. તો પોરબંદરથી મનસુખ માડવિયા મહાદેવનાં દર્શન કર્યાં બાદ ભવ્ય રોડ શો યોજ્યો હતો તેમજ સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ બનાસકાંઠાનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડી પડ્યાં હતાં.
બનાસકાંઠા લોકસભા બેઠકનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ફોર્મ ભર્યું હતું. જોકે ફોર્મ ભરતાં પહેલાં કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસની સભામાં ગેનીબેને જણાવ્યું હતું કે હું રાતે વિચાર કરું કે હે ગેની તું એક ગરીબ ઘરના ઝૂંપડામાંથી આવતી દીકરી છે, આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે અને તને જ્યારે નેતા બનાવી છે ને ત્યારે આખા જિલ્લાએ જે મારા પણ ભરોસો મૂક્યો છે ને એને ડગવા ન દેજે. મારા બનાસકાંઠાને અને મારા નેતૃત્વને ક્યાંય આંચ ન આવે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. આટલું બોલ્યાં બાદ ગેનીબેન ઠાકોર રડી પડ્યાં હતાં અને રડતાં રડતાં જણાવ્યું હતું કે હું જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો હાર પહેરાવે છે ને ત્યારે તેમનું ઋણ મારા પણ છે. લોકસભા એટલે નાની વસ્તુ ના કહેવાય. પેઢીઓને પેઢીઓ ખસી જાય છે તોય ટિકિટ નથી મળતી, પણ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે ભગવાન મારી નાવ તારજે
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે એ પહેલાં સુરેન્દ્રનગરમાં તેમનો રોડ શો યોજાયો હતો. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધી આ રોડ શો યોજાયો હતો, જેમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમા, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તેમજ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અન્ય નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો જોડાયા હતા. ઈન્ડિયા ગઠબંધન હોઈ, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં જનમેદની જોઈને ઋત્વિક મકવાણા ભાવુક થઈ ગયા હતા.
કોણે કોણે ફોર્મ ભર્યું
• ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા
• પોરબંદર બેઠક પરથી ભાજપના મનસુખ માંડવિયા
• પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપના રાજપાલસિંહ જાદવ
• સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઋત્વિક મકવાણા
• દમણ લોકસભા બેઠક પરથી ભાજપના લાલુભાઈ પટેલ
• જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના જેપી મારવિયા
• અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ
• બારડોલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી
• સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપના ચંદુભાઈ શિહોરા
• બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર
• વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના ધવલ પટેલ