રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા એકાદ બે દિવસમાં પોતાનું ઉમેદવારીફોર્મ ભરવાના છે. જોકે તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને હજી પણ ક્ષત્રિય સમાજમાં રોષ છે. ગઇકાલે રાજકોટ ખાતે પણ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું અને રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી વાત કરી હતી. ત્યારે આજે પાટીલે આ અંગે જણાવ્યું છેકે, કે અમારી વાત ચાલી રહી છે.સુખદ નિવેડો આવે તેવા પ્રયત્નો છે અને અમે આ બાબતે ગંભીર છીએ.
રુપાલા અને ક્ષત્રિય સમાજના વિરોધ અંગે આજે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને હું પોતે તેમના સંપર્કમાં છીએ અને તેમની સાથે વાત ચાલી રહી છે. તેનો સુખદ નિવેડો આવે તેના માટે અમે પ્રયત્નો કરી રહ્યાં છીએ અને આ બાબતે અમે ગંભીર છીએ.
રુપાલા સામેના ક્ષત્રિય સમાજના વિરોધનો વંટોળ સમગ્ર ગુજરાતમાં છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માગ કરાઈ રહી છે. જોકે ભાજપ દ્વારા આ અંગે હજી કોઇ નિર્ણય લેવામાં ન આવતા ગઇકાલે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં રુપાલાની ટિકિટ રદ કરવાની વાત કરવામાં આવી હતી અને 19 એપ્રિલ સુધીનુ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપનો બહિષ્કાર કરવાની અને દેશભરમાં આંદોલન ચલાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.