ન્યૂ ગાંધીનગરના કુડાસણમાં આવેલી સમન્વય રેસીડેન્સીમાં રહેતી મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી સેક્ટર 23માં આવેલા જ્વેલર્સના માલિકને 13.47 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે. મહિલા દાગીના ખરીદવા ગયા પછી ચેક આપ્યા હતા, પરંતુ સોનીએ ચેક બેંકના ખાતામાં જમા કરાવતા ઓછી રકમને લઇ પરત ફર્યા હતા. ત્યારબાદ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા ફોન બંધ કરી ઘરે તાળુ મારી મહિલા ફરાર થઇ ગઇ હતી. જેથી મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નરેન્દ્રભાઇ ટકુભાઇ બાબરીયા (રહે, સેક્ટર 7એ, ગાંધીનગર. મૂળ રહે, નગરપિપડીયા, લોધીકા, રાજકોટ) સેક્ટર 23 ખાતે શ્રીજી ગોલ્ડ નામથી જ્વેલર્સની દુકાન ધરાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત સપ્ટેમ્બર 2023માં દુકાને મહિલા હેતલબેન સંજયભાઇ પટેલ (રહે, સમન્વય રેસીડેન્સી, સી-104 કુડાસણ. મૂળ રહે,કોઠારફળિયુ વાંસિયા તળાવ, નવસારી) તેના પતિ સાથે દાગીના ખરીદવા ગઇ હતી. તે સમયે મહિલાએ જાતે ડેપ્યુટી કલેક્ટર અને તેનો પતિ સંજય ડેરીમાં મેનેજર હોવાની ઓળખ આપી હતી.
બંટી બબલીએ જ્વેલર્સમાંથી પેન્ડલ, સેટ, બે લકી, ચેઇન, મંગળસુત્ર સહિત પહેલા 7.71 લાખ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા. તે સમયે સારી સારી વાતો કરી વેપારીને વિશ્વાસમાં લઇ લીધો હતો. તે સમયે એસબીઆઇ બેંકનો ચેક આપ્યો હતો. બંટી બબલી ફરીથી સાંજના સમયે જ્વેલર્સમાં આવી હતી અને બીજા 5.76 લાખના દાગીના ખરીદ્યા હતા અને તે સમયે પણ ચેક આપી હુ કહુ ત્યારબાદ ચેક નાખજો કહી જતા રહ્યા હતા. જ્યારે એક પખવાડીયા પછી ચેક નાખવાનુ કહ્યુ હતુ. પરંતુ જ્યારે જ્યારે વેપારી ચેક જમા કરાવવાની વાત કરે, ત્યારે બહાના બતાવતી હતી અને બાદમાં ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ. જ્યારે ઘરે તપાસ કરતા તાળા લટકતા જોવા મળતા હતા. જેથી વેપારીએ ખોટી ઓળખ આપનાર મહિલા અને પતિ સામે સેક્ટર 21 પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.