વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરમાંથી ભારતમાં રોકાણ આવકાર્ય છે, પરંતુ ઉત્પાદનમાં દેશની માટીનો સ્વાદ હોવો જોઈએ અને તેના નાગરિકોને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ. લોકસભા ચૂંટણી (2024) પહેલા આપેલા ઈન્ટરવ્યુંમાં PM મોદીએ કહ્યું કે જે કોઈ ભારતમાં રોકાણ કરવા માંગે છે તે કરી શકે છે, પરંતુ તે ભારતીયો દ્વારા બનાવવામાં આવવું જોઈએ જેથી કરીને યુવાનોને રોજગારીની તકો મળી શકે.
પીએમ મોદીએ એલોન મસ્કની ટેસ્લા અને સ્ટારલિંકની સંભવિત એન્ટ્રી અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે હું ભારતમાં રોકાણ આવે તેવું ઈચ્છું છું, ભારતમાં કોણે પૈસાનું રોકાણ કર્યું તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ પરસેવો મારા દેશનો હોવો જોઈએ. ઉત્પાદનમાં આપણી માટીની સુગંધ હોવી જોઈએ, જે આપણા દેશના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે.
એલોન મસ્કે જાહેરમાં કહ્યું હતું કે તેઓ પીએમ મોદીના પ્રશંસક છે. ઈન્ટરવ્યું દરમિયાન પીએમ મોદીને આ અંગે એક સવાલ પણ પૂછવામાં આવ્યો હતો. તેના પર મોદીએ જવાબ આપ્યો કે મસ્ક ભારતના સમર્થક છે. સૌ પ્રથમ એલોન મસ્ક મોદીના સમર્થક છે.
પીએમ મોદીએ 2015માં મસ્કની ફેક્ટરીની મુલાકાત યાદ કરતા કહ્યું કે મસ્ક તેમના અગાઉના નિર્ધારિત કાર્યક્રમો કેન્સલ કરીને તેમને મળ્યાં હતા. તેમણે મને તેમની ફેક્ટરીમાં બધું બતાવ્યું હતું અને હું તેમના વિઝનને સમજી ગયો હતો. હું હમણાં જ ત્યાં (2023માં અમેરિકા) ગયો હતો અને તેમને ફરીથી મળ્યો હતો અને હવે તે ભારત આવવાના છે.
ટેસ્લાના વડા એલોન મસ્કે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું કે તેઓ આ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. એવી અપેક્ષા છે કે મસ્ક ભારતમાં મોટા રોકાણની ત્યારે જ જાહેરાત કરી શકે છે. મસ્કે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે અન્ય દેશની જેમ ભારતમાં પણ ઈલેક્ટ્રિક કાર હોવી જોઈએ અને ટેસ્લાએ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી લીધી છે.
મસ્કે નોર્જેસ બેંક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સીઇઓ નિકોલાઈ ટેંગેન સાથેના XSpace સત્રમાં જણાવ્યું કે વસ્તીના આધારે ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની રહ્યો છે. ભારતમાં ઈલેક્ટ્રિક કાર હોવી જોઈએ, જેવી રીતે દરેક દેશમાં ઈલેક્ટ્રિક કાર છે. ભારતમાં ટેસ્લા ઈલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવું એ કુદરતી પ્રગતિ છે.
PM મોદીએ કહ્યું કે ભારતે વિશ્વ સમક્ષ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે દેશ ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે અને કંપનીઓએ અહીં આવીને રોકાણ કરવું જોઈએ.