ગાંધીનગરનાં બોરીજ ખાતેથી તેલ માલીસ – આયુર્વેદિક તેલ વેચવાનો ધંધો કરતા પાલનપુરનાં યુવાનનું છરીની અણીએ અપહરણ કરી સાડા ચાર લાખની ખંડણી વસુલવાનાં પ્રકરણમાં સેકટર – 21 પોલીસે ગણતરીના દિવસોમાં જ ગેંગના મુખ્ય સૂત્રધાર દિનેશગીરી ઉર્ફે બાવા પોપટગીરી ગોસ્વામીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. જેનાં ગુનાહિત ઈતિહાસની કુંડળી ચકાસતા રીઢા આરોપીએ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમની ટીમ ઉપર ફાયરીંગ ઉપરાંત લૂંટ ધાડ, પ્રોહીબીશન સહીતના 17 થી વધુ ગુના નોંધાયા હોવાનું પણ ખુલવા પામ્યું છે.
અમદાવાદના ખાતરજ રોડ દંતાલી જીઆઈડીસી પાસેના
છાપરાંમાં રહેતો મૂળ પાલનપુર તાલુકાના વાસણ ગામનો 27
વર્ષીય રામસિંગ ગુલાબભાઈ પરમાર (નટ) તેલ માલીસ અને
આયુર્વેદિક તેલ વેચવા અર્થે 10મી એપ્રિલનાં રોજ સવારના
આઈ – 20 ગાડી લઈને આવ્યો હતો. એ વખતે એક મહિલા
સહિત ચારેય જણાએ બળજબરીથી રામસિંગને સ્વીફ્ટ
ગાડીમાં બેસાડી છરીની અણીએ અપહરણ કરી લીધું હતું.
બાદમાં ચારેય જણાની ગેંગે રામસિંગને પાછળની સીટમા
વચ્ચે નીચે દબાવીને બેસાડી કાળુ કપડુ ઓઢાડી માર મારી
10 લાખની ખંડણી માંગી હતી.
તે વખતે જોગાનુજોગ રામસિંગનાં મોબાઇલ પર તેના મિત્ર કાળાભાઈ વજેસિહનો ફોન આવ્યો હતો. એટલે રામસિંગે સઘળી હકીકત વર્ણવતા કાળુભાઈએ પોતાના સસરા કનુભાઈ સાથે વાત કરાવી હતી. જેઓએ સાડા ચાર લાખની વ્યવસ્થા હોવાનું કહેતા ગેંગે અમદાવાદના બોપલની આર.કે. આંગડીયા પેઢીમા રૂપિયા મંગાવ્યા હતા. ત્યારબાદ અપહરણકારોએ રામસિંગના પાકીટમાંથી બનાસ બેંકનું એટીએમ કાર્ડ કાઢી લઈ બે લાફા ઝીંકી પીન નંબર પણ જાણી 11 હજાર ઉપાડી ગાડી પ્રાંતિજ તરફ હંકારી મુકી હતી. આ દરમિયાન સિગારેટ પીતી મહિલાએ રામસિંગને જમણી બાજુ ગાલ ઉપર ડામ આપ્યો હતો. બાદમાં બોપલ જઈને આંગડીયા પેઢીમાંથી સાડા ચાર લાખ લઈ રામસિંગને છોડી મૂક્યો હતો.
જે અંગે ગુનો દાખલ થતાં જ રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી ડી ટી ગોહિલનાં માર્ગદર્શન હેઠળ સેકટર – 21 પીઆઈ વી આર ખેર સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સથી અપહરણ – ખંડણીના ગુનાને ગેંગ સાથે અંજામ આપનાર રીઢા ગુનેગાર દિનેશગીરી ઉર્ફે બાપજી પોપટગીરી ગોસ્વામીને (રહે.306,વીરસીટી એપાર્ટમેન્ટ કાળા હનુમાન રોડ રામદેવ હોટલ પાછળ પાલનપુર જિ.બનાસકાંઠા, મૂળ રહે. ધનાલી, વડગામ ) દબોચી લેવામાં આવ્યો છે.
આ અંગે પીઆઈ વી આર ખેરે જણાવ્યું કે, ગેંગના મુખ્ય સૂત્રધાર દિનેશગીરી વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ પર ફાયરિંગ સહિતના 17 થી વધુ ગુના નોંધાયેલા છે. પ્રાંતિજનાં ઓરાણ ગામની સીમમાં વર્ષ – 2022 માં લૂંટ કરી હતી. જે સાડા ચાર વર્ષ જેલની હવા ખાઈને પાંચેક મહિના અગાઉ બહાર આવ્યો હતો. અને તેના બનેવી પાસેથી સ્વીફટ કાર ખરીદી હતી. જે ગાડીમાં જ ઉક્ત ગુનાને અંજામ આપ્યો હતો. દાંતીવાડા ગામના મહેંદ્રસિંહ, ગણપતસિંહ તેના સાગરિતો છે. ગણપતસિંહ વડોદરાની મહિલાના સંપર્કમાં હતો.
આ ગેંગ લપકામણ તરફથી નીકળી હતી. એ વખતે રામસિંગને આઈ 20 ગાડી સાથે જોયો હતો. અને એકલો જ હોવાનું જાણીને અપહરણ – ખંડણીનાં ગુનાને અંજામ આપ્યો હતો. ખંડણીની રકમમાંથી 50-50 હજાર બંને સાગરિતો તેમજ 35 હજાર મહિલાને આપી બાકીના રૂપિયા લઈ દિનેશ ગોસ્વામી રાજસ્થાન ભાગી ગયો હતો. જ્યાં તેના મળતિયાઓ સાથે દારૂ – જુગારમાં બધા પૈસા હારી ગયો હતો. જે પરત તેના ગામમાં આવતાં જ વોચમાં રહેલી પોલીસે દબોચી લીધો હતો. હાલમાં ગેંગના અન્ય આરોપીઓને ઝડપી પાડવા એક ટીમ રવાના કરી દેવામાં આવી છે.