લોકસભા 2024ની ગુજરાતની સામાન્ય ચૂંટણી માટે દુદુંભી વાગી ચૂકી છે. તમામ બેઠકો પાંચ લાખ મતના માર્જિનથી જીતવા માટે રણનીતિ તૈયાર હતી પરંતુ રાજકોટ બેઠકના ભાજપ્ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી માથાનો દુખાવો બની ચૂકી છે જેને લઈને ક્ષત્રિયો સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને થયેલી બેઠક નિષ્ફળ જતા હવે હાઈ કમાન્ડ દ્વારા ક્ષત્રિયોને મનાવવા આદેશ છુટતા મોવડી મંડળ ઉધે માથે થઇ ગયુ છે.
અત્યાર સુધી થયેલી બેઠકોનું પરિણામ શૂન્ય આવ્યું છે એવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ ખાતે સભા યોજાય તે પહેલા ક્ષત્રિયો ને મનાવવા આદેશ થયા છે.
પરસોતમ રૂપાલા ઉમેદવારી નોંધાવે તે પહેલા ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે થયેલી બેઠક નિષ્ફળ ગઈ છે ક્ષત્રિય સમાજનો વિરોધ અને ટિકિટ રદ કરવાની માગણી સાથે ચાલી રહેલી આ લડત સમાધાનકારી પુરવાર નથી સાબિત થઇ, તો બીજી બાજુ ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને રાષ્ટ્રહિતમાં સહકાર આપે તેવી લાગણી રૂપાલાએ રાજકોટમાં વ્યક્ત કરી હતી. હાલ બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી તા, 22મી એપ્રિલે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા કરશે. આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેવા ઝોનને આવરી લેતી છ જાહેર સભાઓ કરશે.ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન છે. વડાપ્રધાન મોદી ગુજરાતના નોંધાયેલા મતદાર છે તેથી દર વખતની જેમ આ વખતે પણ તેઓ અમદાવાદમાં રાણીપ સ્થિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપશે. તેઓ પ્રત્યેક ચૂંટણી સમયે મતદાન કરે છે. તે પૂર્વે રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત ખાતે પ્રથમ સભા યોજાનાર છે જેનો સંદેશો દેશ વ્યાપી જઈ શકે છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ક્ષત્રિયોને મનાવવા માટે થઈને સામ-દામ ભેદ દંડની નીતિ અખત્યાર કરવામાં આવશે.
આજથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ ક્ષત્રિય વિવાદ મુદ્દે મામલો હાથ પર લે તેવી શક્યતા છે ગુજરાત ભાજપ્ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ ચરમ સીમાએ છે. ગુજરાત ભાજપ્ના નેતાઓ આ વિરોધ વંટોળને શાંત કરવા ટૂંકા પડી રહ્યા છે તેવા સંજોગોમાં નામાંકન પત્ર ભરવા આવી રહેલા અમિત શાહ આ મામલો સુલટાવવાનો પ્રયાસ કરે એવી શક્યતા છે. આ દરમિયાન તેઓ રાજપૂત આગેવાનો સાથે બેઠક કરશે તેવા સંકેત મળી રહ્યા છે.અમિત શાહ અઢારમી એપ્રિલે ગાંધીનગર મતવિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે તે પુર્વે આજે સાજે જ અમદાવાદ આવી જશે આ રોડ શો ને લઇ ને ભાજપ સંગઠન દ્વારા તેની તૈયારી ચાલી રહી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.હવે ક્ષત્રિયોની બેઠક કેન્દ્રીય નેતા સાથે કરવા પ્રદેશના નેતાઓ તલ પાપડ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી કક્ષા અને પ્રદેશ કક્ષાએ ક્ષત્રિયોને મનાવવા માટે થઈને તમામ પ્રકારના પ્રયાસો પૂર્ણ થઈ ચૂક્યા છે જેમાં સામાજિક આગેવાનો ધાર્મિક વર્ચસ્વ ધરાવતા ધર્મગુરુ તેમજ રાજકીય આગેવાનો સાથે એની બેઠક પુર્ણ થઇ છે તેમા કોઈ પ્રકારે સફળતા મળી નથી. હવે ગુજરાત આવી રહેલા અમિત શાહ પર સૌની નજર છે.