લોકસભાની ચૂંટણીમાં અવનવા રંગ જોવા મળતાં હોય છે. આવો જ એક રંગ આજે રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર જોવા મળ્યો હતો. આ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ભરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યાર સુધી ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે. જોકે આજે એક અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ઉમેદારીપત્ર ભરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
આ બેઠક પર ઉમેશ પટેલ નામના એક અપક્ષ ઉમેદવારે લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી એકઠા થયેલા રોકડા રૂૂપિયાના સિક્કા અને નોટોને ટોપલામાં ભરી માથે ટોપલું ઉપાડી તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા.ઉમેશ પટેલ દમણના યુથ એક્શન ફોર્સ નામની એક સંસ્થાના પ્રમુખ છે અને આ પ્રદેશમાં જાણીતો યુવા ચહેરો છે. 2019 માં પણ આ બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેઓએ ઉમેદવારી કરી હતી .આથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં ઉમેશ પટેલને 24% જેટલા મત મળ્યા હતા. આ વખતે પણ તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે.
આજે લોકો પાસેથી મળેલા આ ફાળાને એક ટોપલીમાં ભરી તેઓ એ એક સભા સંબોધી હતી અને ત્યારબાદ લોકો પાસે થી મળેલા ફાળા ભરેલી ટોપલીને ઉમેશ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ માથા પર રાખી દમણ કલેક્ટર કચેરી જઈ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા તેઓએ ડિપોઝિટ તરીકે એક એક રૂૂપિયાના 4 હજાર સિક્કા અને નોટો મળી 25 હજાર રૂૂપિયા ડિપોઝિટ તરીકે ભરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું.