વડોદરા અમદાવાદ એસ્કપ્રેસ હાઇવે પર આજે બપોરના સમયે કેપેસીટી કરતા વધુ પેસેન્જર બેસાડી અર્ટિગા કાર ધડાકાભારે ટેન્કરની પાછળ ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે આ શટલ ગાડી હોવાથી વડોદરાથી પેસેન્જર ભરી અમદાવાદ લઇ જવાતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે.
બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરાથી અમદાવાદ જવા માટે સરકારી તંત્ર દ્વારા બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ બસની સવાર કરવા કરતા અનેક લોકો કારમાં સસ્તી અને જોખમી સવારી કરવાનુ પસંદ કરતા હોય છે. અર્ટિગા જેવી પ્રાઇવેટ ગાડીઓમાં રૂપિયા કમાવવાની લાલચે કાર ચાલકો રૂપિયા 100થી 150 ભાડુ વસુલી પેસેન્જરને વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરાની શટલ ગાડીઓ ચલાવે છે.
આ પ્રકારની શટલ ગાડી વડોદરામાં અમિત નગર સર્કલ, દુમાડ ચોકડી જેવા જનકશન પર ઉભી રાખી પેસેન્જર ભરી જોખમી સવાર લઇ જવામાં આવે છે. આજ રીતે આજે પણ અમદાવાદના કિરણ બારોટ નામના શખ્સની અર્ટિગા કારમાં 7 લોકોની કેપેસીટી સામે 10 લોકો બેસાડી જોખમી રીતે અને કારની કેપેસીટી કરતા વધુ બેસાડી અમદાવાદ લઇ જવામાં આવી રહ્યાં હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
વડોદરાથી અમદાવાદ જવા નિકળેલી આ અર્ટિગા કાર એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ધડાકાભેર ટેન્કરની પાછળ ઘૂસી ગઇ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને કારનો કચ્ચરઘાણ બોલાઇ જતા 10 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મૃતદેહોને હોસ્પિટલ ખાતે લઇ જઇ તેમની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.