ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્યાતિભવ્ય મંદિર બનવાનું છે. ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શ્યસનેસ (ISKCON)ના જણાવ્યા અનુસાર આ ગગનચુંબી મંદિર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંસ્કૃતિના એક મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવશે અને ભારતમાં પર્યટન તથા અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે.વૃંદાવન હેરિટેજ ટાવરની ઊંચાઈ ૨૧૦ મીટર હશે અને એમાં ૭૦ માળ બનાવવામાં આવશે.
આ ટાવર પાછળ ૮ કરોડ ડૉલર (૬ અબજ રૂપિયા)થી વધુનો ખર્ચ થશે. આ અષ્ટકોણ માળખામાં નૉર્થ વિન્ગ, સાઉથ વિન્ગ, ઈસ્ટ વિન્ગ અને વેસ્ટ વિન્ગ મળીને ચાર મંદિર હશે. એ ઉપરાંત ચોથી સાઇટ પર ત્રણ મંદિર અને સ્વામી પ્રભુપાદનું સ્મારક બનાવવામાં આવશે. મંદિરમાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને આવાસની સુવિધા પણ ઉપલબ્ધ હશે અને સાથે જ વૃંદાવનને પોતાનું ઘર બનાવવા માગતા ભક્તો માટે કાયમી હાઉસિંગ ફૅસિલિટી પણ હશે. મંદિરમાં મલ્ટિ-લેવલ પાર્કિંગ પણ બનાવવામાં આવશે, જેમાં એકસાથે ૩૦૦૦ કાર પાર્ક થઈ શકશે.