દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમાં પણ ગુજરાતમાં તો ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં હીટવેવની એલર્ટ જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ ફરી એક વખત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અસહ્ય ગરમીથી ગુજરાતમાં પરિસ્થિતી એટલી હદે વણસી છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે.
ગુજરાતના મહુવામાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે સુરેન્દ્રનગર અને વડોદરામાં પારો 42 ડિગ્રીને પાર વટાવી ગયો છે. આકરી ગરમીને જોતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી બે-ત્રણ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ જ સ્થિતી સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે, અહીં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો મહુવામાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, અમરેલીમાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.3 ડિગ્રી, પોરબંદરમાં 41.3 ડિગ્રી, કેશોદમાં 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.8 ડિગ્રી, ભુજમાં 40.1 અને વેરાવળમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં વધી રહેલી ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. માત્ર એપ્રિલ મહિનામાં જ 108 ઈમરજન્સી સેવા દ્વારા હીટ સ્ટ્રોક, ચક્કર આવવા, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, તાવના 3200થી વધુ કેસ નોંધાયા છે, ગરમીથી બચવા માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત બસ સ્ટોપ અને આરોગ્ય કેન્દ્રો પર ORS પેકેટના વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.