કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસ નેતા નિરંજન હીરેમઠની દીકરી નેહાની ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. નિરંજન હીરેમઠ હુલબી ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે. નેહાની તે કૉલેજમાં જ હત્યા કરવામાં આવી છે કે જ્યાં તે અભ્યાસ કરતી હતી. તેની હત્યા કરનારાની ફયાઝ નામના યુવક તરીકે થઈ છે,જે તેનો ક્લાસમેટ હતો. પોલીસની માહિતી પ્રમાણે નેહાને ચાકુના અનેક ઘા મારતાં સ્થળ પર જ તેનું મોત થયું હતું.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ મળ્યા છે,જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ આ ઘટનાને લઈ ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે દોષિતને કડક સજા થશે. પોલીસે ફયાઝની ધરપકડ કરી લીધી છે.
પોલીસની માહિતી પ્રમાણે ફયાઝે નેહાને પ્રપોઝ કરી હતી, જેને નેહાએ નકારી હતી. તેને પગલે તેણે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. નેહાની હત્યારો ફયાઝ કર્ણાટકના બેલગાવી જિલ્લાનો રહેવાસી છે. તેઓ KLE ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફયાઝ સરકારી સ્કૂલના ટીચરનો દીકરો છે. તે 6 મહિના અગાઉ કોલેજ એક્ઝામમાં ફેલ થયો હતો. ત્યારબાદ તે અહી ભણવા આવવાનું છોડી દીધુ હતું. ગત ગુરુવારે જ્યારે તે કોલેજ આવ્યો તો ચાકુ લઈને આવ્યો હતો. તે સીધો નેહા પાસે ગયો અને તેની ઉપર તાબડતોબ ચાકુના ઘા ઝીક્યા હતા. હુમલો કર્યાં બાદ તે ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો.
ફયાઝ છેલ્લા ઘણા સમયથી નેહાનો પીછો કરતો હતો. તે નેહાને પ્રેમ થયો છે તેવો દાવો કરતો હતો. પણ નેહા તેને પસંદ કરતી ન હતી. નેહાએ તેની ઓફરને નકારી દીધી હતી. આ એક તરફી પ્રેમ હતો. ફયાઝે તેના મિત્રોને કહ્યું હતું કે જો તે મારી ઓફરને નકારશે તો હું તેને ખતમ કરી નાખીશ. બીજી બાજુ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.