લોકસભાની ચૂંટણીને લઇને આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થઇ ગયું છે. ત્યારે અન્ય બેઠકો પર ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે.મધ્યપ્રદેશ બાદ પીએમ મોદી મહારાષ્ટ્રના વર્ધા પહોંચ્યા છે.
પીએમ મોદીએ વર્ધામાં સભા સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ અને ઇન્ડિ. ગઠબંધનની વિચારસરણી દેશ વિરોધી અને ખેડૂત વિરોધી છે, તેથી જ દેશમાં ખેડૂતોની સ્થિતિ દાયકાઓ સુધી ખરાબ રહી. તેમણે વધુમાં કહ્યું કે તેઓના સમયમાં જેવુ કામ થતુ હતુ તેના માટે તેમણે મરાઠીમાં એક કહેવત કરી. તેમણે કહ્યું પરિવારના નામે પથ્થરો તો લગાઇ જતા પરંતુ પેઢીઓ પસાર થઇ જતી હતી પણ કામ થતુ ન હતું.
પીએમ મોદીએ રામમંદિરને લઇને કોંગ્રેસ પર પ્રહારો કર્યા પરંતુ રામનવમીને લઇને પણ વિપક્ષે ટિકા ટિપ્પણી કરનારા અંગે પીએમ મોદીએ નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે 500 વર્ષ જૂનુ સપનુ પુરુ થાય છે તો કોંગ્રેસ અને તેના મિત્રો તેનો બહિષ્કાર કરે છે. આ વખતે પહેલી રામનવમી ઉજવાઇ. સૂર્ય તિલકના દર્શનથી દેશ આખો ગદગદ થઇ ગયો. પરંતુ જ્યારે સૂર્ય તિલક થઇ રહ્યુ હતું ત્યારે ઇન્ડિ. ગઠબંધનના સાથીએ તેને પાખંડ ગણાવ્યું હતું., પીએમ મોદીએ કહ્યું કે આ કોંગ્રેસ અને સાથીઓનો અસલી ચહેરો છે.
તેમણે વધુમાં કહ્યું કે કોગ્રેસ જાણે છે કે તે ચૂંટણી નહી જીતી શકે. એટલે પરિણામો બાદ દેશને આગ લગાવવાની ધમકી આપી રહ્યા છે. સંવિધાનને કેદ કરીને આપાતકાલ લગાવવાની માનસિકતા બદલાઇ નથી. પરંતુ દેશે મન બનાવી લીધુ છે. આજે પ્રથમ તબક્કાનું મતદાન થયુ . દેશ મજબૂત, નિર્ણાયક અને સ્થાયી સરકાર ઇચ્છે છે. આથી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનને વોટ આપવો તે વોટ બરબાદ કરવા બરાબર છે.