ગીર સોમનાથના વેરાવળના માથાસૂરીયા ગામમાં 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. મળતી જાણકારી અનુસાર, વેરાવળના માથાસૂરીયા ગામમાં લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. બાળકો સહિત અનેક લોકોને ઝાડા ઉલટી થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તાલાળાની હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતા વેરાવળ આરોગ્ય વિભાગનો કાફલો ગામમાં પહોંચ્યો હતો. 91 જેટલા લોકોને ગામમાં જ સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે ગામમાં પણ સર્વે કર્યો હતો લોકોને સારવાર આપી હતી. લગ્નના ભોજનના નમૂના લેવાયા હતા. છાશ અને શિખંડને કારણે લોકોની તબિયત લથડી હોવાની આશંકા છે.
ગીરસોમનાથના વેરાવળ તાલુકાના માથાસૂરિયા ગામમાં ગઇકાલે માનસિહ ભાઈ નામના વ્યક્તિના ઘરે દીકરીનાં લગ્ન હતા અને જાન આવી હતી. આશરે 1200 લોકોનો જમણવાર હતો પરંતુ અચાનક જમણવાર બાદ બાળકોને ઝાડા ઉલટી થવા લાગી હતી. બાળકોને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફૂડ પોઇઝનિંગની સૌ પ્રથમ અસર બાળકોમાં જોવા મળી હતી. જ્યારે મોડી રાત્રે યુવાનો અને વડીલોમાં પણ મોટા પ્રમાણમાં ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા બાદ ગામમાં દોડધામ મચી ગઇ હતી. ગામમાં આશરે 200 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સરકારી હૉસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા. આખરે વહેલી સવારે 6 કલાકે વેરાવળ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં દોડી આવી હતી અને 91 જેટલા લોકોને ગામની અંદર જ સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમોએ લોકોને ગામની અંદર જ બોટલો ચડાવવાની ફરજ પડી હતી.