અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની એક અપીલ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પોર્ન સ્ટારના સિક્રેટ મની કેસમાં તેમની અરજી ફગાવી દીધી છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણી સાથે જોડાયેલા કેસની સુનાવણી અટકાવવાની અપીલ કરી હતી. પરંતુ ટ્રમ્પના આ છેલ્લી ઘડીના પ્રયાસને શુક્રવારે કોર્ટે ફગાવી દીધો હતો. આનાથી ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે, જેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.
જ્યૂરીની પસંદગીમાં અયોગ્ય ઉતાવળની ડિફેન્સની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે આ વિનંતી કરી હતી. જસ્ટિસ માર્શા માઈકલે ટૂંકી સુનાવણી બાદ થોડી મિનિટોમાં ચુકાદો સંભળાવ્યો. ટ્રાયલ અટકાવવાની વિનંતી પરની દલીલો આ કેસમાં ટ્રાયલ માટે જ્યુરીની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયાના થોડા કલાકો પછી મધ્ય-સ્તરની અપીલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ સોમવારથી ટ્રમ્પ વિરુદ્ધ ફોજદારી કેસમાં દલીલો શરૂ થઈ શકે છે.
ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપ્યાનો આ મામલો 2016નો છે. તે સમયે ખુલાસો થયો હતો કે ટ્રમ્પનું પોર્ન સ્ટાર સાથે અફેર હતું અને આરોપ છે કે તેણે સ્ટોર્મીને તેને છુપાવવા માટે 1 લાખ 30 હજાર ડોલર ચૂકવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની કંપનીએ આ પૈસા તેમના વકીલ માઈકલ કોહેનને આપ્યા હતા, જેમણે ટ્રમ્પ વતી પોર્ન સ્ટારને ચૂકવ્યા હતા. આ કેસની સુનાવણી એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પ આ વર્ષની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર છે.