ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગ્રાઉંડ ફ્લોર પર આવેલા ગાયનેક વિભાગની ઓપીડી પાસેના ડેમોસ્ટ્રેશન રૂમના એસીમાં શોટ સર્કિટનાં કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે સલામતીનાં ભાગરૂપે ગાયનેક વિભાગના તમામ સ્ટાફ, દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
ઉનાળામાં ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓમાં ઉછાળો આવતો હોય છે. ક્યાંક ગરમીના કારણે તો ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો જોવા મળે છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના વિધાર્થીઓને અભ્યાસ અર્થેનાં ડેમોસ્ટ્રેશન રૂમમાં લાગેલા એસીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી છે. જો કે ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગ્રાઉંડ ફલોર પર આવેલા ગાયનેક વિભાગમાં રાબેતા મુજબ આજે સવારના સમયે ઓપીડી ચાલી રહી હતી. ત્યારે ઓપીડી પાસેના ડેમોસ્ટ્રેશન રૂમના એસીમાંથી અચાનક ધુમાડા નીકળવાની સાથે આગ ભભૂકી હતી. જેના પગલે વિભાગમાં હાજર સૌ કોઈ ગભરાઈ ગયા હતા. જો કે કેટલાક સ્ટાફે આગ પર કાબુ મેળવવા માટેનાં પ્રયાસો પણ કર્યા હતા. જોતજોતામાં આગના ધુમાડા બહારની તરફ પ્રસરવા લાગતા ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
જેનાં પગલે ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂર સ્ટાફના માણસો સાથે બે ફાયર ફાઇટરની ગાડીઓ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. બાદમાં સલામતીના ભાગરૂપે ગાયનેક વિભાગને ખાલી કરાવી દઈ એક ટીમે ડેમોસ્ટ્રેશન રૂમમાં મોરચો સંભાળી લીધો હતો. જ્યારે બીજી ટીમે રૂમની બહારની સાઈડ તરફથી બારીના કાચ તોડીને કામગીરી આરંભી દીધી હતી. બાદમાં પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સોમવાર હોવાના કારણે દર્દીઓની સંખ્યા વધુ હતી. ગાયનેક વિભાગની ઓપીડી ચાલુ હતી. આ દરમિયાન બાજુના ડેમો રૂમનાં એસીમાં ટેકનિકલ કારણોસર શોટ સર્કિટ થવાના લીધે આગ લાગી હતી. જો કે વિભાગમાં હાજર મેડિકલ સ્ટાફ, દર્દીઓ તેમજ વિદ્યાર્થિઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. ડેમો રૂમ સિવાય બીજે ક્યાંય આગ લાગી નથી કે કોઈ કેઝયુલટી પણ નથી. રૂમમાં ગામના કારણે નુકશાન થયું છે.