ગુજરાતમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ બન્યા છે. આ બેઠક પરથી રવિવારે કોંગ્રેસના મુકેશ કુંભાણીનું અને તેમના ટેકેદારોના ઉમેદવારી પત્ર રદ થયા બાદ આજે એક પછી એક અન્ય ઉમેદવારોએ પણ સુરત લોકસભા બેઠક પરથી પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા. અંતમાં ભાજપના મુકેશ દલાલ સામે બીએસપીના પ્રયારેલાલ ભારતી એકમાત્ર ઉમેદવાર હતા.
તેમણે પણ આખરે ફોર્મ પરત ખેંચી લીધું છે. હવે આ પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની સામે લડવા માટે કોઇ ઉમેદવાર જ નથી. જેથી મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. જે બાદ સુરતના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
મુકેશ દલાલે ઉમેદવારી પત્રમાં પોતાની પાસે રહેલી મિલકતોથી લઈને તમામ બાબતોની વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેમની પાસે અંદાજિત 7.69 કરોડની જંગમ મિલકત છે. તેમજ સ્થાવર મિલકતમાં 10.8 કરોડની સંપત્તી બતાવી છે. તેમણે લાખોના ઘરેણાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ કરેલુ છે.તેની સામે એક પણ ફોજદારી કેસ નથી.
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવી છે તેમાં પોતાની પાસે અને પત્નીની પાસે જે ઘરેણાં છે તેની પણ વિગત આપવામાં આવી છે. અંદાજે પતિ-પત્ની પાસે જે સોના-ચાંદીના તેમજ અન્ય કિંમતી ઝવેરાતો છે તેની કિંમત 32.78 લાખ છે.
મુકેશભાઈ પાસે કુલ 130 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી છે. એફિડેવિટમાં કહેવાયું છે કે પત્ની પાસે 360 ગ્રામ સોનું અને 1225 ગ્રામ ચાંદી છે. તેમની પાસે બે વાહનો છે અને તેઓ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ફાયનાન્સમાં MBA કર્યું છે.
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત ભાજપના મહામંત્રી છે. મુકેશ દલાલ સુરત શહેર ભાજપ મહાસચિવ અને SDCA સમિતિના સભ્ય છે. તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. તેઓ ભાજપના શહેર કાર્યકારી સભ્ય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3-ટર્મ કાઉન્સિલર, 5-ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 3 વર્ષથી શહેર ભાજપના મહામંત્રી છે.
મુકેશ દલાલ મોઢ વણિક સમુદાયના છે. તેઓ ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના પૂર્વ ચેરમેન છે. તેઓ પાલ વિસ્તારથી સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. પાંચ ટર્મ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. સાડા ત્રણ વર્ષથી તેઓ સુરત મહાનગરપાલિકાના મહામંત્રી તરીકે નિયુક્ત રહ્યા છે. મુકેશ દલાલની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેઓ બીકોમ, ડબલ એમબીએ (ફાઇનાન્સ અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ), ટેક્સેશનમાં એલએલબી કર્યું છે.