આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ગુજરાતમાં આવેલા હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. બાદમાં બપોરે કષ્ટભંજન હનુમાન દાદાને મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુર મંદિરે દાદાનાં દર્શન કરવા પહોંચી કષ્ટભંજન દાદાની આરતી ઉતારી હતી. ત્યારે ગાંધીનગરના ગાંધીનગર સ્થિત ડભોડામાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિ મહોત્સવની રંગરાગ ઉજવણી કરવામાં હતી. જેમાં શોભાયાત્રામાં ડ્રોન મારફતે હનુમાન દાદાનાં દર્શને ભાવિકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. ગોંડલમાં હનુમાન જંયતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપસ્થિત રહી તરકોશી હનુમાન મંદિર ખાતે મહાઆરતી કરી હતી.
આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાનાં દર્શને પહોંચ્યા હતા. તેમણે કષ્ટભંજન દાદાની આરતી ઉતારી દર્શન કર્યા હતા. આ સાથે ભાજપના સંગઠનના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ દાદાના દર્શન કરી રવાના થયા હતા.
આજે દેશભરમાં હનુમાન જયંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્થિત ડભોડામાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિ મહોત્સવની રંગરાગ ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી ભાવિકો મોટી સંખ્યામાં દાદાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ અવસરે ગામમાં વાજતે ગાજતે નીકળેલા શોભાયાત્રામાં ડ્રોન મારફતે હનુમાન દાદાનાં દર્શને ભાવિકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું.
આજે હનુમાન જયંતિ નિમિતે સુપ્રસિધ્ધ હનુમાન મંદિરે દાદાના મહાઅભિષેક માટે તેલના ડબાની નોંધણી એક મહિના પહેલા જ મંદિર દ્વારા શરુ કરવામાં આવી હતી. પ્રતિવર્ષની જેમ આ વખતે 1111 તેલના ડભાનો દાદાને અભિષેક કરવામાં આવ્યો હતો. જેનો આંકડો વધીને સાંજ સુધી 1500 ડૂબ્બા થઇ શકે છે. આ સિવાય મંદિર ખાતે 151 કીલોની કેક તેમજ 101 દીવાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. સવારે હનુમાન દાદાની શોભાયાત્રા નીકળી હતી. જેમાં ડ્રોન દ્વારા હનુમાન દાદાનાં દર્શન કરીને ભાવિકો ભક્તિમાં લીન થઈ ગયા હતા. ત્યારબાદ મંદિરના શિખર ઉપર દાદાની ધજા ચઢાવવામાં આવી હતી. આ ઉપરાંત ડભોડા ગ્રામજનો દ્વારા 151 કિલો ની કેક તેમજ અમદાવાદના ભક્ત દ્વારા વધુ 151 કિલોની કેક મળીને 300 કિલોથી પણ વધુની કેક કાપીને હનુમાનદાદાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.