લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલો ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મુડમાં છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગને ન સ્વીકારતા હવે તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટના જઈને ભાજપ સાથે જોડાયેલી ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરીને ડેમેજ કન્ટ્રોલ માટેના પ્રયાસો કર્યા છે.પરંતુ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. ભાજપ સામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરી રહ્યો છે.
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માગને પૂરી ન કરવામાં આવતા 21 એપ્રિલે ક્ષત્રિય સમાજની અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપની તમામ 26 બેઠકો ઉપર વિરોધ કરવા અંગેની રણનીતિઓ ઘડવામાં આવી હતી. આ આંદોલનને ‘ઓપરેશન ભાજપ’ નામ અપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ સાથે હવે અન્ય સમાજ પણ આ આંદોલનમાં જોડાયો છે. 23 એપ્રિલે પણ રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રાજપૂત અગ્રણી કરણસિંહ ચાવડાએ ચાર મુદ્દા ઉપર વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે, રૂપાલા હજી ભૂલ કરે છે, જેટલું કહેશે તેટલું નુકસાન થશે. તેમજ આંદોલન ચાલુ જ રહેશે અને ધર્મરથ ગામે ગામ ફરશે. રૂપાલા બાદ ભાજપના કિરીટ પટેલે પણ ક્ષત્રિય સમાજ સામે કરેલા બફાટથી માતા-બહેનોની લાગણી દુભાઈ છે,
રાજપૂત સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારથી કેટલાક માધ્યમોમાં એવા સમાચાર હતા કે, કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો ભાજપમાં જોડાવવાના છે. આ વાત ખોટી છે. ક્ષત્રિય સમાજના આંદોલનને નબળુ પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંકલન સમિતિ કે કોર કમિટીનું કોઈપણ સભ્યો ભાજપમાં જોડાવાના નથી. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ જ રહેશે કિરીટ પટેલે ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કરેલા બફાટ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, આનો મતલબ અમારે શું સમજવો ? ભાજપના જવાબદાર વ્યક્તિઓ વાણી વિલાસ કરે તે કેટલું યોગ્ય?. કિરીટ પટેલ એવું કહે છે કે પ્રજા મત આપે અમે રાજ કરીશું. તેમણે લુલી લંગડી જેવી વાતો કરીને દિવ્યાંગની લાગણી દુભાવી છે. ભાજપ શું કિરીટ પટેલ સામે પગલાં લેશે ?. આવા નિવેદનથી અમારો સમાજ દુઃખી છે.
તેમણે ઉમેર્યુ કે, ભાજપ સામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરી રહ્યો છે. 28 એપ્રિલે બારડોલી અને 2 મેના રોજ જામનગર ખાતે મહાસંમેલન યોજાશે. પોલીસ કમિશનર સામે હાઈકોર્ટે પીઆઈએલ કરી છે તે દાખલ થઈ છે. ગામે ગામ પ્રતીક ઉપવાસ ચાલુ છે. 7 મેં સુધી કાર્યક્રમ ચાલુ રહેશે. કાળા વાવટાની ના પાડી તો અમે કેસરિયા સાથે વિરોધ કરીશું.