રાજ્યમાં ફરી એક વખત બેદરકારીના કારણે મોટી દુર્ઘટના ઘટી છે. બનાસકાંઠાના ડીસામાં પાંચ શ્રમિકોને ગૂંગળામણની અસર થઇ હતી. જેમાંથી ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત થયા છે. ગૂંગળામણની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને 108, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનના બનાસકાંઠાના ડીસામાં આવેલી પેપર મિલની છે, જ્યાં પેપર મિલના કૂવામાં કામ કરતાં શ્રમિકોને ગૂંગળામણની અસર થઇ હતી. આ શ્રમિકો કૂવામાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. એક શ્રમિકને ગૂંગળામણ થતા અન્ય શ્રમિકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેઓ પણ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરતી વખતે આ ઘટના બની હતી. ઘટનાને પલગે ત્યાં હાજર અન્ય લોકોએ 108 અને ફાયરની ટીમને જાણ કરી હતી અને અસરગ્રસ્ત શ્રમિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.
અસરગ્રસ્ત પાંચેય શ્રમિકોને નાજૂક સ્થિતિમાં પાલનપુર સિવિલ ખસેડાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ગૂંગળામણની આ કોઇ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેક વખત ગૂંગળામણના કારણે નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાઇ ગયો છે. સાધન સામગ્રીના અભાવ, બેદરકારી અને સેફ્ટીના નિયમો બાજુ પર મૂકાતા આવી ઘટનાઓ બનતી હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે, ત્યારે હવે આ મામલે જવાબદાર કોણ? તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાશે.