કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી બુધવારે મહારાષ્ટ્રના યવતમાલમાં લોકસભા ચૂંટણીની રેલીમાં ભાષણ આપતી વખતે બેહોશ થઈ ગયા હતા. સૂત્રો અને વિઝ્યુઅલ્સ અનુસાર, યવતમાલ પુસદમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ગડકરીને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તેઓ નીચે પડી ગયા હતા. જોકે, તેમની તબિયત સારી છે અને તેઓ થોડી જ વારમાં ઉભા થઈ ગયા હતા.આ પછી તેમણે મંચ પરથી જનસભાને પણ સંબોધી હતી.
નીતિન ગડકરી ભાષણ આપવા સ્ટેજ પર પહોંચ્યા કે, તરત જ તેઓ બેભાન થઈ ગયા હતા. આ પછી ત્યાં હાજર પાર્ટી કાર્યકર્તાઓએ તેમના ચહેરા પર પાણી છાંટ્યું અને તેમને સ્ટેજ પરથી દૂર લઈ ગયા હતા. ત્યારબાદ તેને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન 26 એપ્રિલ (શુક્રવાર)ના રોજ યવતમાલમાં મતદાન થવાનું છે. યવતમાલની સાથે, મહારાષ્ટ્રના બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, હિંગોલી, નાંદેડ અને પરભણીમાં પણ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજ્યના પૂર્વ-મધ્ય ભાગમાં વિદર્ભમાં સ્થિત યવતમાલ આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 27 થી 29 એપ્રિલ સુધી હીટવેવ એલર્ટ પણ જાહેર કર્યું છે.