રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ગુરુવારે સવારે લગભગ 10.20 વાગ્યે એરફોર્સનું જાસૂસી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ વાયુસેનાના અધિકારીઓ જિલ્લા પ્રશાસનની સાથે જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર રોઝાની ધાની જિઝિયા ગામમાં પહોંચ્યા હતા. હાલ ફાયર બ્રિગેડે રિકોનિસન્સ એરક્રાફ્ટના કાટમાળમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે.
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. વાયુસેના અનુસાર, આ વિમાન માનવરહિત છે જેનો ઉપયોગ આકાશમાંથી જાસૂસી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. તેને ‘સ્પાય પ્લેન’ પણ કહેવામાં આવે છે.
ગ્રામજનોએ ભારે જહેમત બાદ પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. માહિતી મળતા જ જિલ્લા વહીવટી અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. થોડા સમય બાદ એરફોર્સના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પ્લેનને કબજે કરી લીધું. કહેવાય છે કે ટેકનિકલ ખામીના કારણે પ્લેન પડી ગયું. હાલ એરફોર્સના અધિકારીઓ અકસ્માતની તપાસમાં લાગ્યા છે.
વિમાન નિર્જન વિસ્તારમાં ક્રેશ થયું હતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની માહિતી મળતાં જ ખુહરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાયુસેનાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ આ ઘટના અંગે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ કરી હતી.
ભારતીય વાયુસેનાના રિકોનિસન્સ એરક્રાફ્ટ આકાશમાં જાસૂસી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. સરહદી વિસ્તાર હોવાના કારણે આસપાસના વિસ્તારો પર રિકોનિસન્સ એરક્રાફ્ટ દ્વારા નજર રાખવામાં આવે છે. તેને ચલાવવાની જવાબદારી ઓપરેટરની છે, જે તેમની ફ્લાઇટને નિયંત્રિત કરે છે.
રિકોનિસન્સ એરક્રાફ્ટ દ્વારા લેવામાં આવેલા ચિત્રો તેને નિયંત્રિત કરતા ઓપરેટરના મોનિટર પર પ્રદર્શિત થાય છે. રિમોટ કંટ્રોલ પ્રોગ્રામ વડે સંચાલિત UAV ની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. આ એરક્રાફ્ટની રેન્જ લગભગ 100 કિમી છે અને તે બેટરી બેકઅપ સાથે લગભગ 5 કલાક સુધી સતત ઉડી શકે છે.