બિહારની રાજધાની પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પુનપુન પોલીસ સ્ટેશન હેઠળના બધિયાકોલમાં 24 એપ્રિલના રોજ લગભગ 12:15 વાગ્યે અજાણ્યા બે લોકોએ ગોળી મારી હતી. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. મૃતકની ઓળખ જેડીયુ નેતા સૌરભ કુમાર તરીકે થઈ છે. જ્યારે તેમના મિત્ર મુનમુન ઘાયલ છે.
બે લોકોને ગોળી મારવાના સમાચાર મળતા જ સ્થાનિક લોકો રસ્તા પર આવી ગયા હતા અને રસ્તો રોકીને હંગામો મચાવ્યો હતો. મામલો વધતો જોઈને પટના સિટી એસપી ઈસ્ટ ભરત સોની પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારના આરજેડી ઉમેદવાર મીસા ભારતી પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને લોકોને સમજાવ્યાં હતા. આ ઘટના બાદ પટનાનું પુનપુન NH 83 કલાકો સુધી જામ રહ્યું હતું. જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી.
સિટી એસપી ઈસ્ટ ભરત સોનીએ જણાવ્યું કે માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરીને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. જ્યાં સૌરભ કુમારને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો જ્યારે તેનો મિત્ર મુનમુન કુમાર ઘાયલ છે. એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પટનાના મસોધી એસડીપીઓ કન્હૈયા સિંહે જણાવ્યું કે સૌરભ કુમારના એક પરિચિતના ભાઈની લગ્નની રિસેપ્શન પાર્ટી હતી. જેમાં પટનાના શિવ નગરના પારસા બજાર ખાતે રહેતો સૌરભ કુમાર તેના મિત્ર મુનમુન સાથે રિસેપ્શન પાર્ટીમાં આવ્યો હતો. રાત્રે ઘરે પરત ફરતી વખતે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. ઘટનાસ્થળ પરથી ગુનેગારો ભાગી ગયા હતા. હાલ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.