અમદાવાદ પોલીસ કમિશનરે 9 માસના કાર્યકાળ દરમ્યાન 597 ગુનેગારોને પાસા અને 110 ને તડીપાર કરી સમાજ ને ભયમુક્ત કરવાની કોશિશ કરી,ગુનાખોરીના આંકડાઓની તુલના કરતા 22.03 ટકા ગુનાખોરી ઘટી
અમદાવાદ
અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે અમદાવાદ શહેર પોલીસની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ત્રિમાસિક ક્રાઇમ કોન્ફરન્સના મધ્યાહ્ને મીડિયા બ્રિફિંગ દરમ્યાન પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનો દાવો કર્યો હતો.31 જુલાઈ 2023ના રોજ અમદાવાદ ના પોલીસ કમિશ્નર તરીકેનો પદભાર સંભાળનાર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે 9 માસના કાર્યકાળ દરમ્યાન 597 ગુનેગારોને પાસા અને 110 ને તડીપાર કરી સમાજ ને ભયમુક્ત કરવાની કોશિશ કરી છે.અમદાવાદ શહરમાં માર્ચ સુધી છેલ્લા ત્રણ માસ દરમ્યાન બનેલ ગુનાઓ અને ગત વર્ષે આજ સમયગાળામાં બનેલ ગુનાખોરીના આંકડાઓની તુલના કરતા સીપી જ્ઞાનેન્દ્ર મલિકે 22.03 ટકા ગુનાખોરી ઘટી હોવાનો દાવો કર્યો હતો,ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ માં 3,256 ગુના દાખલ થયા હતા, જ્યારે આ વર્ષે ત્રણ માસ દરમ્યાન 2,525 ગુનાઓ દાખલ થયા છે.
લોકસભા ચૂંટણી અંગે વ્યવસ્થિત તૈયારીઓ કરી રહ્યા છે. વિવિધ બુથની મુલાકાત લીધી છે. ક્રિટિકલ, વનરેબલ બુથની મુલાકાત લેવા પોલીસ અધિકારીઓને કહ્યું છે.દારૂ પી ને ગાડી ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરનારને ઇનામ આપવાની શરૂઆત કરવામાં આવતા આ પ્રકારના ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો વધ્યા છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે.બંધ બારણે છેલ્લા ત્રણ માસ દરમ્યાનની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરતા પોલીસ ઇન્સ્પેકટર્સને અન્ય રાજ્યોની પોલીસની કામગીરી ના દાખલા આપી પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારની ગુનાખોરી કાબુમાં લેવા અને ગુનેગારોને સજા થાય તે પ્રકારની મજબૂત તપાસ કરી કન્વીક્શન રેટ વધારવા અંગેની તાકીદ શહેર પોલીસ કમિશનર જી એસ માલિકે કરી.જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પોલીસ મથકોના પી. આઈ. ઓને સખત શબ્દોમાં તાકીદ કરી હતી કે “ખોટી ફરિયાદ નોંધશો નહિ અને સાચી ફરિયાદ દાખલ કરવામાં ખચકાશો નહિ”, કોઈની ખોટી ભલામણ કે કોઈના પ્રભાવમાં આવી ખોટી ફરિયાદ દાખલ કરતા અધિકારીઓને “રૂકજાવ અને સુધરી જાઓ”નો આદેશ આપ્યો હતો.સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારી તન મનથી સ્વસ્થ રહેવા અને સામન્ય જ્ઞાન સહિત કાયદાનું જ્ઞાન સતત મેળવતા રહી વર્તમાન આધુનિક યુગમાં “જ્ઞાન અને વિજ્ઞાન થી જ્ઞાત” રહેવા શીખ આપી હતી.
હત્યાના બનાવોમાં 46.88 ટકા ઘટાડો
ધાડના બનાવોમાં 66.67 ટકા ઘટાડો
લૂંટમાં 28.21 ટકા ઘટાડો
ઘરફોડ ચોરીના બનાવમાં 14.2 ટકાનો ઘટાડો
ચોરીના બનાવો 26.38 ટકા ઘટાડો
ચેન સ્નેચિંગના બનાવોમાં 47.73 ટકા ઘટાડો
મોબાઈલ ચોરીમાં 14.06 ટકા ઘટાડો
597 પાસા,110 તડીપાર