દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે તેનો સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. ગુરુવારે આની જાહેરાત કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ વકીલોને વોટ્સએપ મેસેજ દ્વારા કોઝ લિસ્ટ, કેસ ફાઈલ કરવા અને સુનાવણી માટે લિસ્ટિંગ વિશે જાણકારી આપશે.
CJI ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટનો પોતાનો જે સત્તાવાર WhatsApp નંબર જાહેર કર્યો છે તે છે 87676-87676. હવે વકીલોને વોટ્સએપ નંબર પરથી કેસ ફાઈલ થવા અંગેનો ઓટોમેટેડ મેસેજ મળશે. આ ઉપરાંત વકીલોને કોઝ લિસ્ટનું નોટિફિકેશન પણ મોબાઈલ પર મળશે. કોઝ લિસ્ટનો અર્થ એ છે કે કોર્ટમાં સુનાવણી માટે તે દિવસના નિર્ધારિત કેસોની સૂચિ.
સુપ્રીમ કોર્ટનો સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, 75માં વર્ષમાં, સુપ્રીમ કોર્ટે WhatsApp મેસેજિંગ સેવાઓને IT સર્વિસ સાથે એકીકૃત કરીને ન્યાયની પહોંચને મજબૂત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. તેનાથી વધુ વકીલોની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ વધશે. આ ઉપરાંત દૂર દૂર રહેતા લોકોને પણ કોર્ટની કાર્યવાહીની માહિતી મળી શકશે.
આ સાથે વકીલોને આ એપ પર ઈલેક્ટ્રોનિક ફાઈલિંગ, કોઝલિસ્ટ ઓર્ડર અને જજમેન્ટ સંબંધિત નોટિફિકેશન પણ મળશે. પરંતુ હવે આવે છે એવો સવાલ કે શું આપણે આ નંબર પર સામાન્ય નંબરોની જેમ વાત કરી શકીએ? જવાબ છે ના. કારણ કે આ વન-વે કમ્યુનિકેશન નંબર છે. મતલબ માત્ર ઇનકમિંગ મેસેજ. આ નંબર પરથી કોઈ જવાબ નહીં મળે અને કૉલ બેક જેવી કોઈ સુવિધા પણ નહીં હોય.
કોઈ કેસ સફળતાપૂર્વક દાખલ થવા પર ઓટોમેટેડ મેસેજ પ્રાપ્ત થશે. તેમાં નોંધાયેલા કેસોમાં રજિસ્ટ્રી દ્વારા ચિહ્નિત કરાયેલા વાંધાઓ અંગેની સૂચનાઓ પણ સામેલ છે. વેબસાઇટ પર ઉપલબ્ધ ઓર્ડર અને નિર્ણયો પણ WhatsApp દ્વારા મોકલવામાં આવશે.