લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિદેશમાં રહેતા ભારતીયો આવ્યા છે. જેઓ 28 એપ્રિલ રવિવારે અમદાવાદથી સુરત સુધી કાર રેલીમાં જોડાશે. વિદેશથી આવેલા અને મૂળ ગુજરાત, મધ્યપ્રદેશ,પંજાબ ઉપરાંત મહારાષ્ટ્ર ના લોકો સૌથી વધુ કાર રેલીમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે.
મહત્વનું છે કે આ રેલી રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થશે જે મણિનગર-લાંભા-નડિયાદ-વડોદરા-ભરૂચ થઈ સુરત પહોંચશે અને સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ રેલીનું સ્વાગત અને સમાપન કરશે.આ સાથે જ વિદેશમાં વસતા તમામ મૂળ ભારતીય સાથે સંવાદ કરી સાથે ભોજન પણ લેશે.
મહત્વનું છે કે વિદેશમાં વસતા ભારતીયનું માનવું છે કે પાછલા 10 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશમાં વસતા ભારતીયોને ખૂબ ગૌરવ મળ્યું છે. તમામ જગ્યા ઉપર તેમની નોંધ લેવાય છે. ત્યારે હવે લોકસભા ચૂંટણી સમયે આ તમામ વિદેશી ભારતીય પોતાના ખર્ચે સ્વયંભુ જ આ રેલી નું આયોજન કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે વિદેશોમાં પણ આ પ્રકારે કાર રેલીનું આયોજન થયું હતું જેમાં અમેરિકા-ઓસ્ટ્રેલિયા-UK સહિત અનેક દેશોમાં મોટી સંખ્યામાં કાર રેલી યોજાઇ હતી અને અનેક ભારતીય આ કાર રેલીમાં જોડાયા હતા.
ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવાનુ છે ત્યારે ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે.
લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે. પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પીએમ મોદી પંચમહાલ લોકસભના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે.