અન્ય રાજ્યમાંથી હથિયારો લાવી ગુજરાતમાં વેચવાના રેકેટ ચલાવનાર આરોપીઓને ATS એ પકડી લીધું છે. ગુજરાત ATS એ ચાર જગ્યાએ એક સાથે કાર્યવાહી કરીને 25 પિસ્તોલ અને 90 જીવતા કારતુસ સાથે 6 આરોપીની ધરપકડ કરી છે. જેમાં હથિયારનો મુખ્ય સપ્લાયર પણ એટીએસના હાથે ઝડપાયો હતો.
ગુજરાત ATS ની કસ્ટડીમાં આવેલા 6 આરોપીઓ હથિયારના સપ્લાયર છે, જે મધ્યપ્રદેશના મનાવરથી ગેરકાયદેસર હથિયાર ગુજરાતમાં વેચતા હતાં.
મહત્વનું છે કે છેલ્લા ત્રણ મહિનામાં 25 પિસ્તોલ અને 90 રાઉન્ડ જીવતા કારતુસ વેચાણ માટે ગુજરાતમાં લાવવામાં આવ્યા હતાં. આ તમામ હથિયારો ATS એ કબજે કરી હથિયારના મુખ્ય સપ્લાયર શિવમ ડામોરની ધરપકડ કરી છે. શિવમે અગાઉ પ્રવિણ શ્રીવાસ્તવ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણને હથિયાર આપ્યા હતા. જેથી ATS એ 5 પિસ્તોલ અને 20 રાઉન્ડ જીવતા કારતુસ શિવમ અને મનોજ ચૌહાણ પાસેથી કબજે કર્યા. જ્યારે અન્ય 20 પિસ્તોલ અને 70 રાઉન્ડ જીવતા કારતુસ અન્ય 4 આરોપીઓ પાસેથી કબ્જે કરી છે.
ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, હથિયારોના મુખ્ય સપ્લાયર શિવમ ડામોર મધ્યપ્રદેશથી જામખંભાળિયા સુધી ટ્રાવેલ્સમાં ડ્રાઇવર છે. જ્યારે તે જામખંભાળિયા આવતો ત્યારે થોડા થોડા હથિયાર ગુજરાત લાવતો અને આ તમામ અન્ય સપ્લાયરોને આપતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે શિવમ 30000 રૂપિયામાં હથિયાર ખરીદી 50,000 માં ગુજરાતના અન્ય સપ્લાયરોને વેચતો હતો. જે સપ્લાયરો બાદમાં અન્ય લોકોને ઊંચા ભાવે હથિયાર વેચતા હતા. જોકે પોલીસને શંકા છે કે, ઝડપાયેલા તમામ આરોપીઓનું બેકગ્રાઉન્ડ સામાન્ય એટલે કે છૂટક મજૂરી અને ખેતી કામ કરનાર છે, તેથી આ 50,000 નું હથિયાર પોતાના માટે ખરીદે તેમ નથી. આ હથિયાર ક્યાં અને કોને આપવાના હતાં તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
હથિયારના આ નેટવર્કમાં નારોલ પાસેથી શિવમ ડામોર અને મનોજ ચૌહાણની ધરપકડ કર્યા બાદ ATS એ અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એક સાથે કાર્યવાહી કરી આ હથિયારો કબજે કર્યા છે. આરોપીઓએ મોટાભાગના હથિયારો ખેતરમાં છુપાવીને રાખ્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં 25 હથિયાર અને 90 કારતુસ ગુજરાતમાં આવ્યા છે. જેટલાં લોકો પાસેથી આ હથિયાર પકડાયા તેઓ ન તો ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ પાસે પહોંચેલા હથિયારોનો ઉપયોગ પોલીસ કેવી રીતે રોકે છે તે એક ગંભીર પ્રશ્ન છે.