લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. મતદાન પહેલા રાજકીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી પાટણમાં ચૂંટણી જનસભાને સંબોધશે
ગઇકાલે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ જનસભા સંબોધી હતી ત્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ સોમવાર સવારે 10 વાગ્યે પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત સ્થાપના દિવસે જ અમદાવાદ આવી રહ્યાં છે. ખડગે પણ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરશે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમ ચારેય ઝોનમાં એક એક સભા સંબોધે તેવું કોંગ્રેસે આયોજન કર્યું છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે.
આગામી એકાદ સપ્તાહમાં જ કન્હૈયા કુમાર, ઇમરાન પ્રતાપગઢી, બીવી શ્રીનિવાસ ગુજરાતમાં સભા સંબોધશે. ગુજરાતમાં કોંગ્રેસે 24 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા જ્યાં જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે. સુરતની એક બેઠક બિનહરીફ થઇ છે.