રાજસ્થાનનથી XUV કારમાં વિદેશી દારૃ – બિયરનો જથ્થો લઈ ગાંધીનગરનાં અડાલજ સુધી આવી પહોંચેલા ટ્રેકટરનાં ડ્રાઇવરને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 7 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જો કે કારમાં સવાર દારૂની હેરાફેરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર મેરેથોન દોડ લગાવી ભાગી જવામાં સફળ રહ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાની ટીમ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલો મહિન્દ્રા XUV કાર શેરથાથી અડાલજ ટોલટેક્ષ તરફથી પસાર થવાની છે. જે હકીકતના આધારે એસએમસી પોલીસે અડાલજ ટોલ નાકા વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી. અને જો બાતમી મુજબની કાર ઊભી રહે નહીં તો વૈષ્ણવોદેવી રોડ ઉપર વાહન ચાલકોને રોકી દઈ હંગામી ટ્રાફિક જામ કરી દેવાની પણ સ્ટ્રેટેજી અમલમાં મૂકવામાં આવી હતી.
બાદમાં બાતમી મુજબની કાર શેરથા તરફથી આવતી દેખાતા ચાલકને ગાડી ઉભી રાખી દેવા ઈશારો કરી સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચાલકે ગાડીને વૈષ્ણવોદેવી રોડ તરફ ભગાડી મુકી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો શરૂ કરી નક્કી કરેલી સ્ટ્રેટેજી મુજબ અત્રેના રોડ ઉપર હંગામી ધોરણે રસ્તો બંધ કરી દેવામાં આવતો હતો. જેનાં પગલે ગાડીના ચાલકે વૈષ્ણવોદેવી રોડ સાઈડની શેરીઓમા હંકારી મુકી હતી. અને જાસપુર ગામ તરફ જવાના રોડ ઉપર ગાડી ઉભી રાખી બે ઈસમો ઉતરીને ભાગવા લાગ્યા હતા. જે પૈકીના એક ઈસમને પોલીસે દોટ મૂકીને પકડી લીધો હતો. જ્યારે બીજો ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો.
બાદમાં પોલીસે ઈસમની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ખેમરાજ ઉર્ફે નિર્મલ ગોતાભાઈ પટેલ (રહે. હનુમાન ગલી, ગીગલા ગામ, ઉદેપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેને સાથે રાખી પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી 1 લાખ 90 હજાર 960 ની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો 1360 નંગ જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ખેમરાજે કબૂલાત કરેલી કે, પોતે ઉદેપુરમાં રેત કપચીનું ટ્રેકટર ચલાવે છે. પરંતુ હાલમાં કોઈ કામ નહીં હોવાથી અગાઉ સાથે કામ કરતાં અરવિંદ બીશ્નોઈનો (રહે. સાંચોર) સંપર્ક કર્યો હતો.
જે રાજસ્થાનથી ગાંધીનગર સુધી XUV ગાડી ચલાવવા પેટે 5 હજાર આપવાનો હતો. બાદમાં ચંડીસરથી દારૂ ભરેલી ગાડી લઈને બંને ગાંધીનગર સુધી આવી ગયા હતા. વૈષ્ણવોદેવી સર્કલ નજીક એક્ટિવા લઇને આવનાર ઈસમને દારૂ ભરેલી ગાડી આપી દેવાની વધુમાં ખેમરાજે કબૂલાત કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં ગાડીની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું. જેનાં એંજિન ચેચીસ નંબરથી તપાસ કરવામાં આવતા ગાડીનો ઓરિજિનલ માલિક સુભાષ રાજેશ્વર લાલ કાબે(રહે. રાધનપુર, મહેસાણા) હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે પોલીસે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.