ગાંધીનગરના દંતાલી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ગત તા. 21 મી એપ્રિલે સાંજના કારમાં બેઠેલા યુગલને છરીની અણીએ બાનમાં લઈ બે લૂંટારુઓ 5 લાખનું સોનાનું ડાયમંડવાળુ કડુ તેમજ 2 લાખ 40 હજારની કિંમતની બે સોનાની ચેઇન મળીને કુલ રૂ. 7 લાખ 40 હજારના દાગીનાની લૂંટ કરી બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જે અંગે ગુનો દાખલ કરી અડાલજ પોલીસે 100 થી વધુ અલગ અલગ સ્થળોનાં સીસીટીવી કેમેરાથી ટ્રેસ કરી એક લૂંટારુને ઝડપી લઈ વધુ પૂછતાંછ હાથ ધરી છે.
અમદાવાદના સિંધુભવન રોડ શાંતિ નિકેતન બંગલોમાં રહેતો સુજલ મનસુખભાઈ દેવાણી તેની વાગ્દત્તા ધ્રુવી સાથે 21 મી એપ્રિલે ગાડીમાં અદાણી શાંતીગ્રામ તરફ ફરવા આવ્યો હતો. બાદમાં બંને જણાં દંતાલી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ તરફ રેલ્વે બ્રીજ નજીક ગાડી ઉભી રાખીને ફોટોશુટ કરી રહ્યા હતા. તે વખતે સાંજના સાતેક વાગ્યાના સુમારે બાઈક ઉપર બે અજાણ્યા લૂંટારુઓ પહોંચી ગયા હતા.
બાદમાં એક લૂંટારુએ ખિસ્સામાંથી છરી કાઢી સુજલનો મોબાઇલ ખિસ્સામાં મુકાવી દઈ ગળામાં પહેરેલ સોનાની ચેઇન આપી દેવાની સૂચના આપી હતી. આથી લૂંટારુઓનો ઈરાદો પારખી જઈને સુજલે બીકનાં માર્યા સોનાની ચેઇન કાઢીને આપી દીધી હતી. બાદમાં પૈસાની માંગણી નહીં સંતોષાતા લૂંટારૃઓએ છરીની અણીએ સુજલનાં હાથમાંથી 5 લાખની કિમંતનું સોનાનું ડાયમંડવાળું કડુ કઢાવીને લઈ લીધું હતું. આ દરમિયાન ધ્રુવી ગાડીમાં જઈને બેસી ગઈ હતી. જેનાં ગળામાંથી પણ સોનાની ચેઇન કઢાવી લઈ લૂંટારૂઓએ ગાડીની ચાવી લઈને બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. થોડેક આગળ જઈ ગાડીની ચાવી નીચે ફેંકી કુલ રૂ. 7.40 લાખના દાગીનાની લૂંટ કરી નાસી ગયા હતા.
આ મામલે ગુનો દાખલ થતાં એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી અડાલજ પોલીસ મથકના પીઆઈ સાજનકુમાર મુછાળ સહિતના સ્ટાફે કેનાલ તરફથી ભાગેલા લૂંટારુઓનું પગેરૂ શોધવા 100 થી વધુ અલગ અલગ જગ્યાના CCTV કેમેરાના ફુટેજ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનાં (નેત્રમ) કેમેરા ચેક કરી બાઈક સવાર લૂંટારુઓને ટ્રેક કરી હ્યુમન ઈન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ એનાલીસીસ સોશિયલ મીડીયા એપ્લીકેશનની મદદ લઈ સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
આ દરમિયાન ઉક્ત લૂંટના ગુનાને અંજામ આપનાર બે લૂંટારૂઓ પૈકીનો સોબીત ઉર્ફે રાહુલ મુન્નાલાલ જગદીશભાઇ શર્મા (રહે.રહે.રાણીપ હરીઓમ ઓડાના મકાનની સામે હનુમાન હનુમાન મંદીરની બાજુમાં શેલાભાઇ ભરવાડ ના મકાનમાં ભાડેથી અમદાવાદ શહેર મુળ રહે.ન્યુ રાણીપ સરસસ્વતી) વૈષ્ણવદેવી સર્કલ બ્રિજ નીચે આવનાર હોવાની બાતમી મળી હતી. જે હકીકતના આધારે સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ વી.બી.વાઘેલા સહીતની ટીમે વોચ ગોઠવી ફોટાના આધારે સોબીત ઉર્ફે રાહુલને કોર્ડન કરી પકડી લીધો હતો.
આ અંગે અડાલજ પોલીસે કહ્યું કે, સોબીત અને રોહિત ઉર્ફે બાબુ અમરનાથ કોરી (રહે. સરસ્વતીનગર દશામાંના મંદિર પાસે ન્યુ રાણીપ) લૂંટ કરવાના પ્લાનિંગ સાથે બાઇક લઈને કેનાલ વિસ્તારે શિકારની શોધમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન નર્મદા કેનાલ રેલ્વે બ્રિજ પાસે ફોટો શુટ કરતાં યુગલને જોઈ ગયા હતા અને છરીની અણીએ દાગીના લૂંટીને નાસી ગયા હતા. સોબીત વિરુદ્ધ સોલા હાઈકોર્ટ તેમજ સાબરમતી પોલીસ મથકમાં મર્ડર સહિતના ગંભીર ગુના દાખલ થયેલાનું પણ સામે આવ્યું છે. રોહિતને પણ ઝડપી લેવા માટે સોબીતની આકરી પૂછપરછ ચાલી રહી છે.