લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં મતદાનના આડે હવે થોડાક જ દિવસો રહ્યા છે. બીજી બાજુ રાજ્યમાં ઠેર ર્હેર ક્ષત્રિયો ભાજપ નેતાઓનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. આવામાં ક્ષત્રિયોનો વિરોધ ડામવા ભાજપે કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત ગઈકાલે 28 એપ્રિલે ભાજપના ક્ષત્રિય નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને નમ્ર અપીલ કરતો પર જાહેર કર્યો હતો, તો આજે દાંતા-અંબાજીમાં જયરાજસિંહ પરમારે સાબરકાંઠા રાજવી અને ક્ષત્રિયો સાથે સંમેલન યોજ્યું.
મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જયરાજસિંહ પરમારે સાબરકાંઠાના અંબાજી-દાંતા વિસ્તારમાં સાબરકાંઠા રાજવી સહિત 1000થી વધુ ક્ષત્રિયોનું સંમેલન યોજ્યું.
આ સંમેલનમાં જયરાજસિંહ પરમાર ક્ષત્રિય આંદોલન અને સંકલન સમિતી પર પ્રથમ વાર ખુલીને બોલ્યા. તેમણે સંકલન સમિતીના કેટલાક સભ્યો પર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે સંકલન સમિતીમાં ઘણા સારા લોકો પણ છે, જૂજ લોકો પોતાના સ્વાર્થ માટે અને એમા પણ ભૂતકાળમાં લાભાર્થી રહ્યાં હોય તેવા વ્યક્તિ સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
જયરાજસિંહ પરમારે કહ્યું કે જેટલા આંદોલન થયા તેમાં નુકસાન તેમના સમાજને જ થયુ છે.પાટીદાર આંદોલનમાં 14 દિકરાઓ શહીદ થયા. તેમણે કહ્યું કે અસ્મિતાના વિષયમાં માફી સિવાય બીજું શું આપી શકાય?
બીજેપીનું ક્ષત્રિય સમાજ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખ્યુ નથી, સરકાર સામેના આંદોલનમાં જ મંજૂરીઓ મળી છે.આપણે ભૂતકાળમાં સમય સાથે તાલ નથી મિલાવ્યો એટલે ગુમાવવાનું બહુ આવ્યુ છે.
આ સાથે જયરાજસિંહ પરમારે કહ્યું કે મહાત્મા ગાંધી, રામમનોહર લોહિયાએ આંદોલન કર્યુ પણ ટોળું એમના કાબુમાં હતુ, પણ ટોળું કાબુમાં ન રહે તો શું થાય?