કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડા અંગે કરેલાં નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ ગઈકાલે તેમણે પાટણમાં સભા દરમિયાન ભાવનગરના મહારાજાને યાદ કરી વિવાદને શાંત પાડવા કરેલાં પ્રયાસને ભાવનગરના યુવરાજે આવકાર્યો હતો. તેમણે છેલ્લા કેટલાક સમયથી રાજવીઓ અંગે થતી નિવેદનબાજી અંગે પણ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “રજવાડાંઓને ફરી સત્તા સોંપી દેવામાં આવે તો હાલી સ્થિતિ કરતાં અમે ઉત્તમ શાસન વ્યવસ્થા આપીશું.”
પાટણમાં યોજાયેલી સભામાં રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી પોતાના નિવેદનથી સર્જાયેલાં વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને અંગે ગઈકાલે યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ગતરોજ કરેલાં નિવેદન અંગે મેં ખોડીયાર માતાજીને પ્રાર્થના કરી હતી. જે પ્રાર્થના આજે ફળી છે. જ્યારે, રાહુલ ગાંધીએ આજે આપેલાં આ નિવેદન અંગે સલાહ આપનાર કોંગ્રેસના સલાહકારોનો યુવરાજે આભાર માન્યો હતો અને પ્રથમ વખત રાહુલ ગાંધીને સાચી સલાહ મળી હોવાનું જણાવ્યું હતું. તો, તેમણે આ નિવેદનબાજીના રાજકારણના બદલે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ભાવનગરના વિકાસની વાતોને લઈ પ્રજા વચ્ચે જવું જોઈએ અને આગામી પાંચ વર્ષથી લઈ પચાસ વર્ષનું ભાવિ આયોજન, દૂરંદેશીતાના મુદ્દા રજૂ કરવા જોઈએ તેવું જણાવ્યું હતું.