લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ બેઠકો પર મતદાન યોજાશે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યાં છે. વલસાડના ધરમપુરમાં સભાને સંબોધ્યા બાદ પ્રિયંકા ગાંધી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસભાને સંબોધશે.
પ્રિયંકા ગાંધી 3 મેએ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 3 મેએ સવારે 11 કલાકે લાખણીમાં જનસભાને સંબોધશે.આ પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જનસભાને સંબોધી હતી.
પીએમ મોદી પણ બનાસકાંઠાના ડીસામાં 1 મેએ જનસભાને સંબોધશે. પીએમ મોદી ભાજપના બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે મત માંગશે.
બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર ઠેર ઠેર રોડ શો સહિત જનસભાઓ કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યાં છે.