પાટનગર દિલ્હીમાં વધુ એક વખત પાડોશી નોઈડાની 100થી વધુ શાળાઓમાં બોમ્બ મુકયા હોવાની ધમકી મળતા જ જબરી અફડાતફડી મચી ગઈ છે અને દિલ્હી પોલીસની બોમ્બશોધક ટીમ સહિતની ખાસ ટીમો આ શાળાઓમાં પહોંચીને પ્રથમ વિદ્યાર્થીઓ સહિત તમામને સલામત કરીને હવે દરેક શાળાના ખુણેખુણાની તપાસ કરી રહી છે.
આજે સવારે દ્વારીકા સ્થિત દિલ્હી પબ્લીક સ્કુલ અને બાદમાં અન્ય 9થી વધુ શાળાઓને ઈ-મેલથી આ પ્રકારની ધમકી મળી હતી. દિલ્હી પોલીસ પહેલા આ દ્વારીકાની શાળાએ પહોંચીને તુર્તજ ઈમારત ખાલી કરાવી હતી અને ત્યાં જ એક બાદ એક શાળાઓ પણ આ પ્રકારની ધમકી મળી હોવાના અહેવાલ આવતા જ જબરી અફડાતફડી મચી ગઈ હતી.
પુર્વી દિલ્હીની મયુર વિહાર સ્થિત મધર મેરી સ્કુલ ઉપરાંત સંસ્કૃતિ સ્કુલ, નોઈડાની દિલ્હી પબ્લીક સ્કુલ અને અન્ય બે શાળાઓના સંચાલકોને પણ આ પ્રકારના ઈ-મેલ મળ્યાની પોલીસને જાણ કરતા દિલ્હી પોલીસના પગલે તુર્તજ અલગ અલગ ટીમો બનાવીને ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા હતા તથા શાળા સંચાલકોએ તુર્તજ વાલીઓને પણ તેમના સંતાનોને લઈ જવા ફોન શરૂ કરી દેતા જબરો દહેશતનો માહોલ સર્જાયો હતો.
પ્રથમ ઈ-મેલ દ્વારીકાની પબ્લીક સ્કુલને સવારે 4.15 કલાકે મળ્યો હતો અને તેમાં મોકલનારના આઈપી એડ્રેસ સહિતના મુદે તપાસ શરૂ થઈ ત્યાંજ બીજી શાળાઓમાંથી પણ ઈ-મેલ મળ્યાના ખબર મળ્યા હતા અને એક તરફ શાળાઓની આસપાસ પોલીસ ડોગ સ્કવોડ તથા બોમ્બ વિરોધી સ્કવોડ વિ. પહોંચવા લાગી હતી તો બીજી તરફ આ ખબર પ્રસરવા લાગતા ચિંતાતુર વાલીઓએ તેમના બાળકને લેવા દોટ મુકી હતી.
પોલીસે પ્રથમ તમામને એક સલામત સ્થળો પર પહોંચાડીને બાદમાં શાળાની તપાસ શરૂ કરી હતી. તમામ શાળાઓને એક જ સમાજ લખાયેલા ઈ-મેલ મળ્યા હતા અને તમામને ધમકીની અતિ ગંભીર ભાષા લખાઈ હતી અને તેનાથી પોલીસની ચિંતા વધી ગઈ હતી.
આ અંગે હજુ તપાસ ચાલુ છે પણ કોઈ શાળામાંથી બોમ્બ કે વાંધાજનક ચીજો મળી નથી પણ તકેદારી રૂપે તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે તથા પોલીસે ખાસ ડીટીસી બસો દોડાવીને બાળકને સલામત તેમના આવાસે પહોંચાડવા પણ વ્યવસ્થા કરી હતી.
પાટનગરની 100થી વધુ શાળાઓને આજે સવારથી મળવા લાગેલા ધમકીભર્યા ઈ-મેલમાં અત્યંત વિકૃત અને બિહામણી ભાષાનો ઉપયોગ કરાયો હતો અને તે જેહાદી મનોવૃતિ દર્શાવતુ હતું. જેમાં લખાયુ હતું કે ઈસ્લામના દુશ્મનોએ મરવું પડશે તે અલ્લાહનો આદેશ છે. સવારે 4.15 વાગ્યાથી આ ઈ-મેલ મોકલવાનું શરૂ થયુ હોવાનું પોલીસે પ્રાથમીક તપાસમાં જણાવ્યું છે.
તેમાં લખાયુ છે કે અમારા દિલમાં જેહાદની આગ છે. ઈસ્લામના દુશ્મનોએ મરવુ પડશે તમે આકાશ ભણી જુઓ અને તમારા શરીરના ટુકડા થશે. તમારા પગ નીચે આગ લાગશે, તમે ગુંગળાઈને મરશો, કાફીરોને સળગાવી દેવા અલ્લાહનો આદેશ છે. દિલ્હી પોલીસે ઈ-મેલના આઈપી એડ્રેસ પરથી તે મોકલનારની શોધ શરૂ કરી દીધી છે.