વેક્સીન બનાવતી કંપનીઓએ જે ધનભંડોળ ભાજપને આપ્યો છે તે ભાજપ સરકારી તિજોરીમાં જમા કરાવે અને દેશ અને ગુજરાતમાં વેક્સીનના કારણે જેના મૃત્યુ થયા હોય એમને વળતર પેટે એ રૂપિયા આપી દે તેવી કોંગ્રેસની માંગણી
ભાજપ સરકારે ૩,૦૦૦ કરોડ રૂપિયા સીરમ ઈસ્ટીટ્યુટને તથા ૧,૫૦૦ કરોડ રૂપિયા ભારત બાયોટેકને કોવીશીલ્ડ બનાવવા માટે એડવાન્સમાં આપ્યા
અમદાવાદ
કોવીશિલ્ડ વેક્સીનની આડઅસરોને લીધે થતા મૃત્યુ અંગે એક પછી એક હકીકતો સામે આવી રહી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકો વેક્સીન બનાવતી ખાનગી કંપનીના બચાવનામા રજૂ કરી રહ્યા છે ત્યારે દેશના નાગરિકોના હાર્ટએટેકના કારણે થયેલ, થઈ રહેલા મોત અંગે સંપૂર્ણ તપાસ અને ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી અંગે પગલાં ભરવાની માંગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે, વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે તેવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૦૨૩માં એક ઈમરજન્સી ગાઈડલાઈન બહાર પાડી અને કહ્યું કે, વેક્સીનની આડઅસરોમાં શરીરમાં બ્લડ ક્લોટ (Thrombocytopenia Syndrome – TTS) થાય છે, જેના કારણે હાર્ટએટેક, બ્રેઈનસ્ટ્રોક, કીડની ફેઈલથી મૃત્યુ થતા હોવાનું ધ્યાને આવ્યું છે ત્યારે આ અંગે સર્વેલન્સ અને ધ્યાન રાખવું, તેના પછી પણ આપણા દેશમાં ડેટા કલેક્ટ કરવામાં આવ્યા નથી.વ્યક્તિ યુવાન હોય, હેલ્ધી હોય છતાં હાર્ટએટેક આવીને ગુજરી જાય, હરતા-ફરતાને બ્રેઈન સ્ટોક આવી જાય, કીડની ફેઈલ થવાના કિસ્સા સામે આવ્યા. મૃત્યુના વધતા આંકડાના લીધે ડોક્ટરોએ કહ્યું કે, આ પ્રકારના મૃત્યુનું કારણ વેક્સીન લાગે છે. સંસદમાં શૂન્ય કાળમાં આવા મૃત્યુ અંગે નોટીસ આપવા છતાં સરકારે કોઈપણ સર્વેલન્સ ન કર્યું.
બ્રિટીશ ફાર્મા કંપની ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા જેણે કોરોના વેક્સીનની શોધ કરી, તેણે સીરમ ઈન્સ્ટીટ્યુટ સાથે કોવીશીલ્ડ વેક્સીનના પ્રોડક્શન માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. શરૂઆતમાં એસ્ટ્રાઝેનેકા કંપનીએ બ્રિટીશ કોર્ટમાં કહ્યું કે, અમારી વેક્સીનથી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તે દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી. એ ડેટા કોર્ટમાં રજુ થયો ત્યારબાદ કંપનીએ એફીડેવીટ કરી સ્વીકારવાની ફરજ પડી કે, કોવીશીલ્ડ વેક્સીનના કારણે TTS થાય છે, જેને સાદી ભાષામાં લોહીમાં ગાંઠ થવી કહેવાય. જે ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે તો હાર્ટએટેક આવે અને મગજમાં જાય તો બ્રેઈન સ્ટોક આવે, જેથી મલ્ટીઓર્ગન ફેઈલ્યોર થાય.
ભારતમાં ૨૦૫ કરોડ કોવીશીલ્ડના ડોઝ ખુબ પ્રેશર કરીને અપાયા અને એની ક્રેડીટ ભારતીય જનતા પાર્ટી લેતી હતી. ગુજરાતમાં ૧0.૫૩ કરોડ ડોઝ અપાયા બાદ પણ બુસ્ટર ડોઝ લેવા સરકાર દબાણ કરતી હતી. આ વેક્સીન મફત ન હતી, પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સીન બનાવનારને અપાતા હતા. આ જનતાના રૂપિયા હતા અને છતાં પોલીટીકલ પબ્લીસીટી કરતા હતા.આખો દેશ ગૌરવ લઈ શકે એવી ભારત સરકારની પોતાની સેન્ટ્રલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CRI) સંસ્થા કે જે ૧૧૮ વર્ષ જુની છે. સેન્ટ્રલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ ૩ મે, ૧૯૬૫ના રોજ સ્થપાઈ હતી. આ સંસ્થા વેક્સીન બનાવે છે, જેની કેપેસીટી કોઈપણ પ્રાઈવેટ કંપની કરતા ખુબ વધારે છે. દુનિયાભરમાં વેક્સીન માટે સ્થાપક પૈકીની ઈન્સ્ટીટ્યુટ ભારતમાં છે. બીજા વિશ્વયુદ્ધ વખતે આ ઈન્સ્ટીટ્યુટમાંથી જે વેક્સીન ગયા તેની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. આપણા દેશમાં પોલીયો, શીતળા, ટી.બી. વગેરે રોગો હતા. આ બધા રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધે, વેક્સીનથી રોગ નિર્મુળ થાય તે માટે એનું સંશોધન, ઉત્પાદન આ સંસ્થામાં થતું હતું. આ સંસ્થા સામે ક્યારેય કોઈ પ્રશ્નાર્થ નહોતો. દુનિયાની બેસ્ટ લેબોરેટરી ભારત પાસે હતી, એ વેક્સીનનું પુરતું ઉત્પાદન કરી શકે તેમ હતી, છતાં ખાનગી કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટને શા માટે કામ સોંપાયું ? ભાજપ સરકારે ૩,૦૦૦ કરોડ રૂપિયા સીરમ ઈસ્ટીટ્યુટને તથા ૧,૫૦૦ કરોડ રૂપિયા ભારત બાયોટેકને કોવીશીલ્ડ બનાવવા માટે એડવાન્સમાં આપ્યા.
ભારતના પ્રધાનમંત્રી એ ભાજપના નહીં પરંતુ દેશના છે ત્યારે એમની પાસે અપેક્ષા છે કે, ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતને અને દેશની જનતાને જવાબ આપે કે, (૧) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું છતાં ડેટા ભેગા કેમ ન કર્યો ? (૨) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ૨૦૨૩માં તો ઈમરજન્સી ગાઈડલાઈન આપી કે TTS (લોહીની ગાંઠ) ના કિસ્સા વધી રહ્યાં છે, છતાં તે દિશામાં કામગીરી કેમ ન કરી ? (૩) દુનિયાની પ્રસિદ્ધ ઈન્સ્ટીટ્યુટ ભારત સરકાર પાસે હતી છતાં ખાનગી કંપનીને ૩,૦૦૦ અને ૧,૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ આપીને એમની પાસે વેક્સીન કેમ ઉત્પાદીત કરાવી ? (૪) WHOના કહ્યા મુજબ ડેટા ભેગો કરીને હેલ્થ ચેકઅપ થયા હોત તો આજે દેશ અને રાજ્યમાં કેટલાય વ્યક્તિઓના હાર્ટએટેક, બ્રેઈનસ્ટોક, કીડની ફેઈલ, લીવર ફેઈલના કારણે થતા મૃત્યુ રોકી શકાયા હોત. આ ગુનાહિત બેદરકારી માટે સરકારનું શું કહેવુ છે ?
કોવીશીલ્ડનું પ્રાઈઝ ફેક્ટર દુનિયા કરતાં વધારે ૪૦૦થી ૬૦૦ રૂપિયા ભારતમાં રહ્યું. રાહુલ ગાંધીજીએ અલગ-અલગ ટ્વીટ કરી ડેટા કલેક્ટ કરાવી, હેલ્થ પેરામીટર્સ ચેક કરાવીને વેક્સીનની આડઅસરની ચિંતા કરવાની માંગ કરી હતી અને સવાલ કર્યા હતા કે, ભારત સરકારની લેબોરેટરીમાં વેક્સીનનું ઉત્પાદન કેમ નહીં ? વેક્સીનની પ્રાઈઝ ખુબ ઉંચી કેમ ? અમારી માંગણી છે કે, વેક્સીન બનાવતી કંપનીઓએ જે ધનભંડોળ ભાજપને આપ્યો છે તે ભાજપ સરકારી તિજોરીમાં જમા કરાવે અને દેશ અને ગુજરાતમાં વેક્સીનના કારણે જેના મૃત્યુ થયા હોય એમને વળતર પેટે એ રૂપિયા આપી દે.
પત્રકારના પુછાયેલા સવાલના જવાબ આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, WHO મુજબ સર્વે નહીં કરાવી અને ડેટા કલેક્ટ નહીં કરાવીને ભાજપ સરકારે ગુનાહિત બેદરકારી દાખવી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે સારી રીતે લડનારા એન.જી.ઓ., સંસ્થાઓ છે અને આ મેટર કોર્ટોમાં પણ જશે અને કાર્યવાહી પણ થશે, જેમાં આઈ.પી.સી.ની કલમ ૩૦૪ લાગી શકે એવી પરિસ્થિતિ થાય છે. તમારી બેદરકારીથી કોઈનો જીવ જાય છતાં તમે નિષ્કાળજી રાખો તો આઈ.પી.સી.ની કલમ ૩૦૪ એપ્લાય થાય. હું અપેક્ષા રાખું છું કે, નામ. હાઈકોર્ટ અને નામ. સુપ્રિમ કોર્ટ આ મુદ્દાને હાથ ઉપર લે અને આઈ.પી.સી. કલમ ૩૦૪ નીચે ગુનો દાખલ થવો જોઈએ અને વેક્સીનના કારણે મૃત્યુ પામનારના પરિવારજનોને સરકારે વળતર આપવું જોઈએ.