વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગર ખાતે જંગી ચૂંટણી સભાઓને સંબોધતાં રાજ્યના મતદારોને ભારપૂર્વક અપીલ કરી હતી કે, પહેલે મતદાન, ફીર જલપાન. ગરમી ગમે એટલી હોય, મતદાન અચૂક કરજો. બધાએ એક થઇને ગુજરાતની તમામ 25 બેઠકો જ નહીં, તમામ પોલિંબ બૂથ પર કમળ ખિલવવાનું છે. મને વિશ્વાસ છેકે મારું ગુજરાત આ વિજય યાત્રામાં સૌથી આગળ રહેશે.
ધોમધખતા તાપમાં નિર્ધારિત સમયથી એકદોઢ કલાક વિલંબથી પહોંચેલા વડાપ્રધાને ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગરના પોતાના જૂના સંબંધોને તાજા કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુંકે, તમારા માટે તો આપણાં નરેન્દ્રભાઇ જ કહેવાઉં. વડાપ્રધાન બડાપ્રધાન તો દિલ્હીમાં. દુનિયા માટે વડાપ્રધાન હોઇશ, પણ દેશ માટે તો સેવક છું. તમારી વચ્ચે જ મોટો થયો, તમે આપેલા સંસ્કાર, શિક્ષણ અને તમારી સાથેના અનુભવો આજે મને દિલ્હીમાં શાસન કરવામાં ખૂબ ઉપયોગી નીવડ્યા છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ, નર્મદા યોજનાના પાણી, વીજળી, માર્ગો અને સડકના વિકાસની વાતો પણ તેમણે કરી હતી. એક સમય હતો બનાસકાંઠામાં પાણીની કેવી મુશ્કેલી હતી આજે બટાટા ઉપરાંત અનારની ખેતી કરતાં લોકો થયા છે. શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ વધી છે.
વડાપ્રધાને ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું કે, આજે આપની પાસે માગવા માટે આવ્યો છું. 140 કરોડ દેશવાસીઓ જે સપના લઇને જીવી રહ્યા છે એ સપનાને સાકાર કરવામાં પાછી પાની ન કરું, એમાં ઉણપ ન રહી જાય માટે મજબૂત સમર્થન જોઇએ. સંસદમાં ગુજરાતના બધા સાથીઓની જરૂર છે. દેશ ચલાવવા માટે મને તમામ બેઠકો જ નહીં, દરેક બૂથ પર કમળનો વિજય થાય એવી રીતે મતદાન કરો. મને પૂરી ખાતરી છે આપ સૌ 7મી તારીખે અભૂતપૂર્વ મતદાન કરી, દરેક પોલિંગ બૂથમાં ભાજપને વિજયી બનાવશો.
વડાપ્રધાને કોંગ્રેસની અવદશા જનતાના ધ્યાને મૂકતાં કહ્યું કે, દેશમાં સરકાર બનાવવા 272 સાંસદો જોઇએ. ભાજપ સિવાય એકપણ પાર્ટી એવી નથી જે 272 કે તેથી વધારે ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં હોય. કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધન સરકાર રચવાની વાતો કરે છે, પણ કોંગ્રેસની દશા તો જુઓ એમનો શાહી પરિવાર દિલ્હીમાં કોંગ્રેસને વોટ આપી શકશે નહીં. અહીં ભરૂચમાં કોંગ્રેસના એક મોટા નેતા અહેમદભાઇ પટેલ હતા, એમનો પરિવાર પણ કોંગ્રેસને વોટ નહીં આપી શકે. ભાવનગરમાં પણ કોંગ્રેસના નેતા એમની પાર્ટીને વોટ નહીં આપી શકે. જેમના પોતાના જ 272 ઉમેદવાર નથી એ સરકાર બનાવવાના સપના જુએ છે.
દસ વર્ષ પહેલાં સુધી દેશ આતંકવાદની આગમાં સળગતો હતો. કોંગ્રેસ ખબર હતી કે, પડોશી રાષ્ટ્ર આતંકવાદ એક્સપોર્ટ કરતો હતો, તો પણ કોંગ્રેસ પાકિસ્તાનને ડોઝિયર મોકલતી હતી, આજનું ભારત ડોઝિયર નહીં ડોઝ આપે છે. ઘરમાં ઘૂસીને મારે છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, આપણા દેશમાં વોટબેંકની રાજનીતિનું કોઇ શિકાર થઇ તો મુસ્લિમ બહેનો થઇ છે. ત્રણ તલાક ખતમ કરવાથી બહેનોને જ નહીં, પરિવારને રક્ષણ મળ્યું.
વડાપ્રધાને કહ્યું કે, મોદીએ 370 આર્ટિકલ હટાવી, રામ મંદિરનું નિર્માણ કર્યું, ત્રિપલ તલાકનો કાયદો દૂર કર્યો, આ બધાથી શાહજાદાને તાવ આવી જાય છે, તકલીફ પડે છે. એટલે શાહજાદા કહે છે કે, મોદી ત્રીજી વખત આવશે તો આગ લાગી જશે. ખરેખર તો એમના સપના રાખ થઇ ગયા છે. આ દેશના લોકોએ કોંગ્રેસના ઇરાદા જાણી લીધા છે. નિરાશાની ગર્તાંમાં ડૂબેલી કોંગ્રેસ દેશમાં સત્તા મેળવવા નીકળી છે. 60 વર્ષ સત્તામાં રહેલી કોંગ્રેસ દેશના વિભાજનની ભાષા બોલે છે. કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધન દેશમાં અરાજકતા, અસ્થિરતા ફેલાવવા, દેશ મુશ્કેલીમાં આવી જાય તેવા પ્રયાસ કરી મોદીને બદનામ કરવા માગે છે.
પીએમ મોદીએ કોંગ્રેસના શાસનની યાદ કરાવતા યુવા મતદારોને સંબોધીને કહ્યું કે, રાજ્યના ગામડાઓમાં સાંજે વાળુ કરતી વખતે વીજળી ન હતી. મહેમાન આવે અને રાત રોકાય તો સવારે પાણી માટે મુશ્કેલી હતી. વારંવાર કોમી હુલ્લડો થતાં અને કરફ્યૂ લદાતો. બાળક જન્મે પછી કાકા, મામા બોલે એ પહેલાં કરફ્યૂ શબ્દ બોલતો. આજે અંબાજીથી ઉમરગાવના પટ્ટામાં સાયન્સ શાળાઓથી માંડીને કોલેજો, યુનિવર્સિટીઓ, હોસ્પિટલ, વંદે ભારત ટ્રેન સહિતની સુવિધાઓ મળી છે. કરફ્યૂનું નામોનિશાન નથી. ગામે ગામ વીજળી પહોંચાડી. આની પાછળ લાંબાગાળાની મહેનત અને વિઝન છે.
વડાપ્રધાન મોદીએ હિંમતનગરની સભામાં રામ મંદિરનો મુદ્દો ઉછાળ્યો હતો. મોદીએ કહ્યું કે, કોંગ્રેસવાળા દેશને ડરાવતા હતા કે, રામ મંદિર બનાવશો તો દેશમાં આગ લાગશે. રામ મંદિર પણ બન્યું અને પ્રાણપ્રતિષ્ઠા પણ ઉત્સવપૂર્વક થઇ. દેશમાં કંઇ થયું નહીં. કોંગ્રેસવાળા જમીની હકીકતોથી કપાયેલા છે. વોટબેંકની રાજનીતિ માટે દેશવાસીઓને ભયભીત કરે છે. દેશમાં કોઇ આગ નથી લાગી, પણ કોંગ્રેસના દિલમાં લાગેલી આગ કોઇ બુઝાવી શકશે નહીં. આઝાદીના બીજા જ દિવસથી રામ મંદિર નિર્માણ શરૂ થવું જોઇતું હતું, પણ કોંગ્રેસે વોટબેંકની રાજનીતિથી 70 વર્ષ સુધી એને રોકી રાખ્યું. મંદિર ન બને માટે કાયદા બદલ્યા. આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને મંદિર બન્યું. પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ આપ્યા હતા તેમ છતાં કોંગ્રેસે તેને ઠુકરાવી દીધું હતું. વોટબેંકની રાજનીતિમાં એટલા બધા ડૂબી ગયા છે કે કોંગ્રેસ સંતુલન ગુમાવી બેઠી છે. જમ્મુ કાશમીરથી આર્ટિકલ 370 હટાવાશે તો દેશ તૂટી જશે, લોહી વહેશે, કાશમીરમાં ત્રિરંગા ઉઠાવનાર નહીં મળે તેમ કોંગ્રેસ કહેતી હતી, પરંતુ એમને ખબર નથી કે આ મોદી છે… એને ડરાવવાના ખેલ બંધ કરી દેવા જોઇએ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 2-3 મે ગુજરાતમાં જાહેર સભા અને કાર્યકર સંવાદ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગુરુવારે મહેસાણામાં રાત્રે 8 વાગે સભા સંબોધન કરશે. શુક્રવારે દાહોદમાં સવારે 11 વાગે જિલ્લા ભાજપ કાર્યાલય પાસે જાહેર સભાને સંબોધી બપોરે 2 વાગે અમદાવાદના ટાગોર હોલમાં મતદારો સાથે મુલાકાત કરશે. સાંજે 5 વાગે કચ્છ-ગાંધીધામમાં રોડ શો અને રાત્રે ગાંધીધામ ખાતે કાર્યકર્તા સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.