ગેનીબેનનું ચૂંદડી, નારીયલ તેમજ ઓઢામણા આપીને મામેરુ ભરાયું,..

Spread the love

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ભાજપ વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનના પગલે બનાસકાંઠામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રીઓએ બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું મામેરુ ભરી ગેનીબેનને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ સાથે ડીસામાં યોજાનાર નરેન્દ્ર મોદીની સભામાં પણ ન જવાના શપથ લીધા હતા.

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ રાજ્યભરના ક્ષત્રિયો માટે અસ્મિતાનો સવાલ બની ગયો છે અને ભાજપે રૂપાલાની ટિકિટ ન કાપતા ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધમાં આવી જઈ ઠેર ઠેર ક્ષત્રિય અસ્મિતા સંમેલનો યોજી રહ્યા છે. જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન આજે ડીસા ખાતે વંદના પાર્ટી પ્લોટમાં યોજાયું હતું.

જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ક્ષત્રિય સમાજના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, દિયોદર સ્ટેટના રાજવી યુવરાજ ગીરીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપને અનેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં અહંકારમાં આવી પરશોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપી ક્ષત્રિય સમાજને પડકાર ફેંકતા આજે સમગ્ર રાજપૂત સમાજે એક થઈ સંમેલન યોજ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું ચૂંદડી, નારીયલ તેમજ ઓઢામણા આપીને મામેરુ ભરવામાં આવ્યું હતું. મામેરું ભરીને સમાજે ગેનીબેન પાસેથી બહેન બેટીઓની રક્ષા માટે હંમેશા આગળ આવવું પડશે તેવી બાંહેધરી લીધી હતી.

આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજ વચ્ચે ગર્જના કરતા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લાના ક્ષત્રિય સમાજે મને ચુંદડી ઓઢાડી તે ઇતિહાસ બન્યો છે. અત્યારે સમગ્ર સમાજ મારી સાથે હોવાથી ભાજપ ગામડાઓમાં મિટિંગ પણ કરી શકતો નથી. એક બાજુ સી.આર. પાટીલનું નેતૃત્વ છે તો બીજી બાજુ ક્ષત્રિય સમાજના આગેવાન શક્તિસિંહ ગોહિલનું નેતૃત્વ છે. ભાજપના આવા જુવાળ વચ્ચે પણ એક ગરીબની દીકરીને હરાવવા વડાપ્રધાને આવવું પડે તેવી સ્થિતિ બનાસકાંઠામાં ઊભી થઈ છે. હું ક્ષત્રિય સમાજનું આ ઋણ કદાપી નહીં ભૂલું તેમજ સર્વ સમાજની બહેન બેટીઓની આબરૂની જ્યારે વાત આવશે. ત્યારે હર હંમેશ મારો આત્મા તેઓની સાથે રહેશે તેવી ખાતરી આપું છું.

આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હું આજે કોઈ રાજકીય મિટિંગમાં નહીં પણ પરિવારના સંમેલનમાં આવ્યો છું. અહંકારના સાતમાં આસમાને પહોંચેલા ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવા માટે આજે બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં મને આમંત્રિત કર્યો હતો. અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પણ આમંત્રિત કરી તેમને જીતાડા માટેનો નિર્ધાર કર્યો છે.

ક્ષત્રિયો કદી કોમવાદી નથી હોતા તેઓ સિદ્ધાંતવાદી હોય છે. ભાજપના ઉમેદવારે દિલથી માફી માગી હોત તો ક્ષત્રિય માફ કરી દેત પરંતુ તેઓએ પાર્ટી માટે માફી માગી ક્ષત્રિઓની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. આ પુરુષોત્તમ રૂપાલા અગાઉ પણ લેઉવા પાટીદાર, માલધારી, દલિત સમાજ વિશે એલફેલ બોલી ચૂક્યા છે. એટલે આજે સર્વ સમાજ ભાજપના આ અહંકારને તોડવા એક થયો છે.

તેઓએ બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીનું નામ લીધા વગર કીધું હતું કે, બનાસકાંઠામાં એક વ્યક્તિ પોતાનું ચલાવવા જતા ફસાઈ ગયા. ખુદને બનાસકાંઠામાં ચૂંટણી લડવી હતી પરંતુ ગેનીબેન આવ્યા એટલે હટી ગયા અને પોતાના ઈશારે ટિકિટ અપાવી દીધી એટલે હવે હારે તો એ હારે, જીતે તો મારું ચાલ્યું જાય, તેમ કહી જો તમોને એટલું માન હોય તો રેખાબેનને ડેરીનું ચેરમેન સોંપી દો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે બનાસ ડેરી એક ચોક્કસ સમાજ સિવાય કોઈને નોકરી આપતી નથી એ વાતનો ઉલ્લેખ કરી તેમણે શંકર ચૌધરી દ્વારા ચલાવતા જ્ઞાતિવાદને પણ ઉજાગર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ હિન્દુ ધર્મના ચાર મુખ્ય વેદોના અધિપતિ ચાર શંકરાચાર્યના બોલનું માન ન રાખી ચૂંટણી હોવાથી અધુરા રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કરી શંકરાચાર્યનું પણ અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com