ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સર્વે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે દ્વારા કરવામાં આવી છે. મતદાન વધુમાં વઘુ થાય તે માટે મતદાન મથકો પર મતદારોને પૂરતી સુવિધા મળી રહે અને શાંતિપૂર્ણ માહોલમાં પોતાનું મતદાન કરી શકે તે માટે તમામ મતદાન મથકો પર સુચારું વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેએ જણાવ્યું છે કે, ભારત વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે. લોકતંત્રની ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કરવામાં આવતાં મેનેજમેન્ટની નોંધ વિશ્વએ લેવી પડી છે. પરંતુ લોકશાહી દેશના પાયાની મજબૂતી માટે મતદારોની ભૂમિકા મહત્વની છે. લોકશાહી તંત્રને મજબૂત કરવા સર્વે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. મતદાન કરીને દેશ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી અદા કરવાનું ગૌરવ મતદાર લઇ શકે છે. લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાનને આડે હવે, ગણતરીના દિવસો બાકી છે.
તેમણે ઉમેર્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી તા. ૦૭મી મેના રોજ યોજાનાર છે. આ દિવસે સર્વે નાગરિકોને દસ મિનિટ દેશ માટે સમર્પિત કરીને મતદાન કરવા જણાવ્યું છે. મતદાન કરવા વધુમાં વધુ નાગરિકો જોડાય અને સાચા લોકશાહીના અવસરની ઉજવણી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સર્વે નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ દવેએ અપીલ કરીને જણાવ્યું છે કે, આ વખતે ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગના મતદાન મથકે મતદાન કરવા આવતાં મતદારોની સુવિધાને અગ્રિમતા આપવામાં આવી છે. મતદારોને હીટવેવ સામે સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે.
ગરમીમાં છાંયડો મળી રહે તે માટે મંડપની સુવિધા કરવામાં આવી છે. તેની સાથે મતદારો માટે પીવાના પાણીની સુવિધા સાથે સાથે બપોરના સમયે આપણા ગુજરાતીઓને એનર્જી અને ગરમીમાં રાહત આપવા માટે કેટલાંક મતદાન મથકો પર છાશની પણ સુવિધા કરવામાં આવી છે. તેની સાથે દિવ્યાંગ, વડીલ મતદારો કે જેમને ઉભા રહેવામાં કે અન્ય શારીરિક તકલીફો છે, તેમના માટે વ્હીલચેર સાથે સાથે રેમ્પ અને સહયોગીની સુવિધા પણ આપવામાં આવશે. તેમજ મતદારો પોતાનું વાહન સુગમતાથી પાર્ક કરી શકે તે માટેની પણ સુવિધા કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ સર્વે મતદારો જણાવ્યું છે કે, મતદાન કરવાનો આરંભ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી કરી શકાશે. ઉનાળાની કાળઝાળ ગરમીનો આરંભ થયો છે. આ ગરમીથી બચવા માટે મતદાન સવારથી ગરમી શરૂ થાય તે પહેલાના સમયમાં મતદાન કરવાના સમયની અનુકુળતા કરવા માટે પણ અપીલ કરી છે.