વડોદરામાં વડોદરા અર્બન ડેવલોપેમેન્ટ અથોરીટી-VUDA ભવનમાં બેસતા વર્ગ-1ના અધિકારી અને સાગરીત સહિત બે લોકોને એન્ટી કરપ્શન બ્યૂરો-ACBએ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. વિશ્વ ફાયર દિવસે ફાયરની NOC માટે બેફામ લાંચ માંગનાર અધિકારી અને તેના વતી લાંચ લેનાર અપૂર્વ મહીડા નામના વ્યક્તિને ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ભવનમાં વર્ગ-1ના અધિકારી રિજનલ ફાયર ઓફિસર નીલેશ પટેલ પ્રાઇવેટ અને સરકારી મિલ્કતોને ફાયર NOC આપવા માટે લાંચ લેતા હોવાની માહિતી એન્ટી કરપ્શન બ્યૂરોને મળી હતી.
ફરીયાદના આધારે ACB દ્વારા વડોદરા સ્થિત VUDA ભવન ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જ્યાં રિજનલ ફાયર ઓફિસર એન.બી પટેલ સહિત અન્ય એક શખ્સને ACBએ રૂ.2,25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત દૂધ ડેરીની મિલકત માટે ફાયર NOC માગવામાં આવી હતી. NOC આપવા માટે અધિકારીએ લાખો રૂપિયાની લાંચ માંગી હતી. જોકે અરજદાર લાંચ આપવા માંગતા ન હતા, જેથી ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં ACBએ ટ્રેપ ગોઠવી વર્ગ-1ના અધિકારી સહિત અન્ય શખ્સને રૂપિયા સવા બે લાખની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે.