રોહિત વેમૂલાના મૃત્યુ કેસમાં તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ સોંપી દીધાના એક દિવસ પછી શનિવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામનેઆ મામલે પોલિટિક્સ કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધ્યાં હતાં.
તેમણે કહ્યું કે સંવેદનશીલ બાબતોમાં ક્યારેય પોલિટિકલ નેરેટિવ ન જોડવું જોઈએ. હકીકતમાં પોલીસે રોહિત વેમૂલાના મૃત્યુ કેસમાં અદાલત સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં દાવો કરાયો છે કે રોહિત દલિત નહોતો. 2016માં તેણે આત્મહત્યા કરી કેમ કે બધાને તેની સાચી જાતિની ખબર પડી જવાની તેને બીક હતી.
નિર્મલા સીતારામનેકહ્યું કે, રોહિત વેમૂલાનો ડેથ કેસ યુનિવર્સિટી સંપૂર્ણપણે સંભાળી શકતી હતી પરંતુ તેને સરકાર અને ભાજપ વિરુદ્ધ કહાણી બનાવીને દેશભરમાં ચગાવવામાં આવ્યો. હું રોહિત વેમૂલા કેસને ઉદાહરણ તરીકે જણાવવા માગું છું કે કઈ રીતે તેનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો. આખરે કઈ રીતે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને યુનિવર્સિટીને પૂરી સંવેદનશીલતા સાથે સંભાળવા ન દીધો અને તે બાબતે સરકાર સામે વાર્તા બનાવવામાં આવી.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ સંસદમાં વેમૂલાની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે બાબતે તેમણે કેન્દ્ર સરકાર અને પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પર જાતિ આધારિત રાજકારણ કરવાનો આરોપ કર્યો હતો. હવે આજે તો તથ્ય સામે આવી ગયું છે.આપણે જાણી ગયા છીએ કે વાર્તા ઘડવામાં આવી હતી. આ કેસમાં જે કંઈ દબાણ આવ્યું અને ટોક્સિક વાતાવરણ ઊભું થયું તે સરકાર તરફથી નહીં, બલકે નિહિત સ્વાર્થી સમૂહો દ્વારા હતું.