અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદથી રેકોર્ડ પ્રવાસીઓ રામલલ્લાના દર્શન કરવા માટે સતત અયોધ્યા જઈ રહ્યા છે. આ દરમિયાન એપ્રિલ 2024માં દેશમાં 2.10 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ GST કલેક્શન આવ્યું છે. આમાં ખાસ વાત એ છે કે ઉત્તર પ્રદેશે 19 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને મંથલી કલેક્શનમાં તમિલનાડુને પાછળ છોડી દીધું છે. એપ્રિલ 2024માં 12,290 કરોડ રૂપિયા સાથે UPએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત પછી GST કલેક્શનમાં ચોથું સૌથી મોટું રાજ્ય બની ગયું છે.
અયોધ્યામાં રામ મંદિરનો રેકોર્ડ GST સંગ્રહમાં મોટો ફાળો હતો, કારણ કે જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી રાજ્યના પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રવાસીઓમાં ભારે વધારો થયો છે, જેના કારણે સરકારી તિજોરી પણ ભરાઈ ગઈ છે.
GST કલેક્શનના સંદર્ભમાં તમિલનાડુ દેશમાં સૌથી વધુ ફેક્ટરીઓ ધરાવતું રાજ્ય 5માં સ્થાને જતું રહ્યું છે. એપ્રિલ 2023માં તમિલનાડુનું GST કલેક્શન રૂપિયા 11,559 કરોડ હતું જ્યારે યુપીનું રૂપિયા 10,320 કરોડ હતું. ઉત્તર પ્રદેશના GST કલેક્શનમાં આ વધારો કરચોરીને રોકવાના મજબૂત પગલાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આક્રમક ખર્ચને કારણે જોવા મળ્યો છે.
અયોધ્યામાં રામ મંદિરની પૂર્ણાહુતિ અને વિવિધ પહેલને જોતાં યુપીમાં પ્રવાસીઓ દ્વારા કુલ વાર્ષિક ખર્ચ 2025 ના અંત સુધીમાં રૂપિયા 4 લાખ કરોડને પાર કરી શકે છે, જેના કારણે રાજ્યને નાણાકીય વર્ષ 2025માં 20,000-25,000 કરોડ રૂપિયાની વધારાની ટેક્સ આવક મળી શકે છે. SBI રિસર્ચ દ્વારા 21 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે.
એક રિપોર્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિરની આસપાસ ધાર્મિક યાત્રામાં વધારો થવાને કારણે ઘણો ટ્રાફિક જોવા મળ્યો હતો. જેના કારણે હોટલ અને મુસાફરી માટે મોટા પાયે ચૂકવણી કરવામાં આવી હતી. આનાથી છેલ્લા કેટલાક મહિનામાં જીએસટીની આવકમાં રૂપિયા 200-300 કરોડની આવક થઈ છે. PWCના જૈનના જણાવ્યા અનુસાર, યુપીનું મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેની આવકમાં વધારો થઈ શકે છે.