ભારતની જેમ જ વિશ્વના અનેક દેશો હાલમાં આકરી ગરમી અને ગરમીના મોજાથી ત્રસ્ત છે. પશ્ચિમ આફ્રિકાનો દેશ માલી પણ આ સમયે આકરી ગરમીનો સામનો કરી રહ્યો છે. અહીંના તાપમાને ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સ્થિતિ એવી છે કે અહીં બરફના ક્યુબ્સ એટલે કે બરફના ટુકડા કિંમતી વસ્તુ બની ગયા છે. બ્રેડ અને દૂધ કરતાં બરફ મોંઘો વેચાઈ રહ્યો છે.
આઇસ ક્યુબ્સ મોંઘા ભાવે વેચવામાં આવી રહ્યા છે કારણ કે ખાદ્યપદાર્થોને સુરક્ષિત રાખવા ઉપરાંત, લોકોએ ઘરમાં ઠંડક જાળવવા માટે આઇસ ક્યુબ્સનો આશરો લેવો પડે છે. આ દિવસોમાં બમાકોમાં તાપમાનનો પારો 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. કેટલીક જગ્યાએ આઈસ ક્યુબ્સના પેકેટની કિંમત લગભગ એક ડોલર સુધી પહોંચી ગઈ છે. અહીંના લોકોના મતે તે એકદમ મોંઘી છે. આઇસ ક્યુબ્સની આ કિંમતે તેને રાજધાની બમાકોમાં બ્રેડ કરતાં પણ મોંઘી વસ્તુ બનાવી દીધી છે.
ક્યારેક તો આખો દિવસ પાવર કટ રહે છે. આ કારણે ખોરાક બગડે છે અને તમારે તેને ફેંકી દેવું પડે છે. માલીમાં વીજળીની સમસ્યા લગભગ એક વર્ષ પહેલા શરૂ થઈ હતી.
વીજળીના અભાવે રાત્રે પંખા ચાલી શકતા નથી. લોકો તેમના ઘરની બહાર સૂવા માટે મજબૂર છે અને તેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. રાત્રે તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જે અસહ્ય છે. માર્ચ મહિનાથી માલીના કેટલાક ભાગોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું શરૂ થયું છે. આ ઉનાળામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બાળકો અને વૃદ્ધો વધુ જોખમમાં છે.