રાજકોટ નજીક ભાવનગર હાઈવે ઉપર ત્રંબા ગામ પાસે આવેલ આર.કે. યુનિવર્સિટીમાં રહેતા અને એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા અફઘાનીસ્તાનના છાત્રએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક યુવકના અફઘાનીસ્તાન રહેતા માતા-પિતા અગાઉ તાલીબાનોએ અફઘાનીસ્તાન ઉપર હુમલો કર્યો હતો. ત્યારે યુએસમાં રહેવા જતાં રહ્યા હતાં.માતા-પિતાને મળવા જવા માટે વિઝા નહીં મળતા યુવાને આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા ગામ પાસે આર.કે. યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમ નં. 6માં એક વિદ્યાર્થીએ પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલીક દોડી ગઈ હતી. અને 108ના ઈએમટીએ જોઈને તપાસી યુવકને મૃત જાહેર કરતા આ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણથતાંની સાથે જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે હોસ્ટોલમાં રેક્ટર પાસેથી મૃતક યુવકની માહિતી મેળવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અબ્દુલકહલ અબ્દુલકયુમ મક્સુદી ઉ.વ.24 અફઘાનીસ્તાનનો વતની હતો. મૃતક યુવાન ચાર વર્ષથી આર.કે. કોલેજમાં રહીએન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો થોડા સમય પહેલા જ અફઘાનીસ્તાન ઉપર તાલીબાનોએ હુમલો કરી કબ્જો જમાવી લીધો હતો તે વખતે અબ્દુલ કહલના માતા-પિતા અફઘાનીસ્તાન છોડીને યુએસ ચાલ્યા ગયા હતાં. અબ્દુલ કહલને પણ તેના માતા-પિતા પાસે જવાનું હતું આ માટેતે જરૂરી વિઝા માટેની પ્રોસીઝર સતત કરતો હતો પરંતુ વિઝા મંજુર થતા ન હોય આ કારણે સતત ચિંતામાં રહેતો હતો તેના કારણે ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.