જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ ઘાટીમાં ચૂંટણી પૂર્વે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડ અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠન TRFના વડા બાસિત અહેમદ ડાર સહિત ત્રણ આતંકવાદીને ઠાર કર્યાં છે.
સુરક્ષા દળોને આતંકવાદીની ઉપસ્થિતિની માહિતી મળી હતી અને ત્યારબાદ સોમવારે સાંજે પોલીસ અને સુરક્ષાદળોએ સંયુક્ત અભિયાનમાં મંગળવારે ત્રણેય આતંકવાદીને ઠાર કરી દીધા હતા.
ડારને ઠાર કરવાની બાબત સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. કારણ કે આ એ આતંકવાદી છે કે જેણે ઘાટીમાં કાશ્મીરી પંડિતો સહિત પ્રવાસીઓનું ટાર્ગેટ કિલિંગ કરવામાં સક્રિય રીતે સંડોવાયેલ હતો. બાસિત ડારના નેતૃત્વમાં TRFએ છેલ્લા 5 વર્ષમાં ઘાટીમાં અનેક મોટા હુમલા કરેલા છે. તેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદી ડાર સુરક્ષાદળોને મોસ્ટ વોન્ટેડ હતો અને તેના માથે રૂપિયા 10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેને આતંકવાદીઓની A++ શ્રેણીમાં નાંખવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણવ્યું હતું કે બાસિત અનેક હત્યાઓમાં માસ્ટરમાઈન્ડ હતો. રેડવાની કુલગામનો રહેવાસી બાસિત તેનું ઘર છોડી જતો રહ્યો હતો અને ત્યારબાદ તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાઈ TRFમાં સામેલ થઈ ગયો હતો. તે ભારતના અન્ય રાજ્યોમાંથી કાશ્મીર જતા નાગરિકોની તથા કાશ્મીરી પંડીતોની હત્યામાં સામેલ હતો. ભારતીય સુરક્ષા દળો તેના ઘણા સમયથી શોધી રહ્યું હતું. દેશની તપાસ એજન્સીઓએ તેના માથે રૂપિયા 10 લાખ રોકડ ઈનામની જાહેરાત પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરવામાં આવેલ હુમલામાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, બટાલિયન કમાન્ડિંગ મેજર આશીષ ધોનેક અને કાશ્મીલ પોલીસના DSP હુમાયું ભટ શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી TRF દ્વારા લેવામાં આવી હતી. TRFએ દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનની મસ્જિદમાં માર્યા ગયેલા લશ્કરના કમાન્ડ રયાઝ અહેમદ ઉર્ફે કાસિમના મોતનો બદલો લીધો હતો. 8 સપ્ટેમ્બરના રોજ રાવલકોટ મસ્જિદમાં આતંકવાદી કાસિમની હત્યા થઈ ગઈ હતી.