ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે. જેને લઈ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરાઇ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 10થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે. જેમાં ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં વરસાદ પડશે. આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડશે. અંબાલાલ પટેલે કહ્યુ કે, ગરમીમાં ઘટાડો થયા પછી પુન:ગરમી વધશે. મે અને જૂનમાં દરિયાકિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સર્જાશે. તેમણે ઉમેર્યું કે, 16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 16 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 24મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. આ તરફ અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.