આજકાલ દરેક બીજા યુવાને વિદેશ જવાનું ઘેલુ લાગ્યું છે. કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રિલા, જર્મની જવા માટે ગુજરાતી યુવા તલપાપડ બન્યા છે. માતાપિતા પણ દેવું કરીને સંતાનોને વિદેશ મોકલે છે. ત્યારે વિદેશ મોકલતા આવા કિસ્સામાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના એક દીકરાએ કેનેડા સેટલ્ડ થઈ ગયા બાદ માતાપિતા સાથે સંબંધ તોડી નાંખતા હતાશ થયેલા માતાપિતાએ આત્મહત્યા કરીને મોત વ્હાલું કર્યું છે.
આ ઘટના દરેક એ માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ લોન લઈને પણ સંતાનોને વિદેશ ભણવા મોકલે છે. પરંતું અહીં તો ઉલટું થયું. દીકરાએ કેનેડા જઈને માતાપિતા સાથે સંબંધ જ તોડી નાંખ્યા. મૂળ સાવરકુંડલાના વતની અને સરથાણા મીરા એવન્યુ ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડીયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.
ચુનીભાઇ ગેડિયાએ પોતાના પુત્ર પિયુષને દેવું ચૂકવ્યુ હતું અને તેને કેનેડા મોકલ્યો હતો. આ તમામમાં ૩૮ લાખનો ખર્ચો થયો હતો. પરંતું કેનેડા જઈને પુત્ર એ મોઢું ફેરવી લીધું દેવું પણ ચૂક્યું નહીં. એટલું જ નહીં પિતા સાથેના તમામ સંબંધો પણ કાપી નાંખ્યા હતા. આ દરમિયાનમાં પુત્ર એક વખત સુરત આવ્યો તો પણ પિતાને મળવા આવ્યો ન હતો. આખરે પિતાને લાગી આવતા આપધાત કરી લીધો હતો. સમગ્ર બાબતે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે.
જય શ્રી કૃષ્ણ
ચી. સંજય તથા તારા મમ્મી તથા પિયુષ તથા પાયલ તથા વિવાન તથા ક્રિશ તથા વૈદી તથા નીલમ તથા સર્વે સગાસબંધી અને કુટુંબીજોનને જણાવવાનું કે આજ રોત હું આપઘાત કરું છું કારણ કે મારી પર 40 લાખનું દેવું છે. જે હવે હું આપી શકું તેમ નથી. આજે મારી ઉમર 65 વર્ષની થઈ ગઈ છે. હું અત્યારે ક્યાં કમાવા માટે જાઉ અત્યારે મારી પાસે કોઈ ધંધો નથી, મારે બિલકુલ આવક નથી. માટે આ પગલું ભરું છું. આવો સમય મારા દીકરા પિયુષને લીધે આવ્યો છે. કારણ કે પિયુષના માથે દેવું થઈ ગયું હતું એટલે મને એમ કે દીકરા પર દેવું થઈ ગયું છે…..
એટલે એને મારી પાસે દાગીના માગતા મેં દાગીના અને તમામ મૂડી મેં આપી દીધી હતી. તેણે મને કહ્યું વ્યાજે રૂપિયા લઈ આપો, મારે રાધિકા બિલ્ડર પાસેથી લેવાના છે એ આવશે એટલે તમને રિટર્ન કરી દઈશ. જેથી મેં મારા દીકરા માટે 35 લાખ રૂપિયા વ્યાજે લઈને આપ્યા હતા. આજે મારી પર 40 લાખનું લેણું છે એ મારું નથી પણ મારા દીકરાનું છે. હવે એ લોકો મારી પાસે રૂપિયા માગે છે. અત્યારે પિયુષ કેનેડા છે. જેને 4 વર્ષમાં મને એક ફોન કરેલ નથી. મેં પિયુષને 2 વાર વીડિયો કોલ કરેલો તો તેને ફોન ઉઠાવ્યો નહોતો. મારી પર કોઈ લેણાવાળાની ઉઘરાણી નથી કે કોઈ મારા પર પૈસા માટેનું દબાણ કરતા નથી.
આ રૂપિયા મારા મિત્રો અને મારા સગાસંબંધીઓના જ છે. પણ હવે મને શરમ આવે છે. મને ચિંતા થાય છે મારે જરૂર હતી ત્યારે બધાયે પૈસા આપ્યા પણ હવે હું આપી શકું તેવી સ્થિતિમાં ન હોવાથી આપઘાત કરું છું. જેમના પણ રૂપિયા છે એમને કોઈ હેરાન કરશો નહીં કોઈએ પણ મારી પર પૈસાનું દબાણ કરેલ નથી. મને કોઈએ ધાક ધમકી પણ ક્યારેય આપી નથી.
બેટા તે એવું કયારેય ન કીધું કે રાધિકા બિલ્ડર પાસેથી રૂપિયા આવી ગયા છે. તું પિયુષ ખોટું કેમ બોલ્યો તે અમને અને સંજયને રોડ પર લાવી દીધા તે દગો કર્યો છે. ઠીક છે ઉપરવાળાને મંજૂર થશે.. વધારે કંઈ કહેતો નથી અમારાથી કંઈ ભૂલ થાય તો માફ કરી દેજે…તને ઈચ્છા થાય કે મારો બાપ મરી ગયો છે અને દિલના ખૂણે કોઈ દયા ઉપજે તો ક્યારેક તને જન્મ આપનારી તારી જનેતાને…
તારી માના ખબર અંતર પૂછી જજે… હું બિમાર હતો ત્યારે તું કેનેડાથી સુરત આવ્યો હતો પણ તું મારી ખબર લેવા માટે ન આવ્યો… કે ન એક ફોન પણ કર્યો….મને અને તારી મમ્મીને કંઈક તો આશા હશે કે પિયુષ મળવા તો આવશે…પણ હું હવે મરી જાઉં છું.. ઠીક છે દીકરા તારી જેવી ઈચ્છા.. ખૂબ ખૂબ સુખી થાજે.. ક્રીશને ખૂબ ભણાવજે અને પાયલને પણ ખૂબ ખૂબ સાચવજે.. તું સુખી થા તેવા મારા આશીષ.. મને ક્રીશ ખૂબ વ્હાલો છે પણ છેલ્લા 4 વર્ષમાં તે મને મળવા ન દીધા…
ચી ક્રિશ બેટા,
તુ મને ખૂબ જ યાદ આવતો હતો પણ શું થાય.. તુ નાનો હતો ત્યારે તને ખૂબ રમાડેલ પણ હવે તો ખાલી યાદ જ રહી.. બેટા ખૂબ ભણજે.. સમાજમાં મોટો માણસ બનજે…. પણ અમને તારા મા-બાપે કાઢી મૂક્યા એમ તું તારા મા બાપને ન કાઢી મૂકતો.. મોટો થઈને તારા માવતરને સાચવજે એટલી જ મારી શીખામણ છે.
પિયુષ અને પાયલ તમને બંનેને એમ કે મારી પાસે રૂપિયા છે પણ મારી પાસે જે રોકડા રૂપિયા અને દાગીના હતા તે બધું જ મેં તમને આપી દીધું છે. મારી પાસે પૈસા હોત તો મારે આપઘાત ના કરવો પડ્યો હતો… મેં મારા હાથ ખર્ચના પણ રૂપિયા રાખ્યા ન હતા….
ભાઈ શ્રી મનસુખ,
તું મારા દીકરા સંજયનું ધ્યાન રાખજે, સંજયને કોઈનો સહારો નથી. પિયુષે તેને તરછોડી દીધો છે. સંજય પર પણ પિયુષે અત્યાચાર જ કર્યો છે. પિયુષે કહ્યું કે મારી પર દેવું છે અને ખોટું બોલીને મકાન પણ લઈ લીધું છે. પિયુષ પર લેણું છે જે નહીં રાધિકા બિલ્ડર પાસેથી જે રૂપિયા લેવાના હતા તે બધા રૂપિયા રાધીકા બિલ્ડરે પિયુષને ચૂકવી દીધા છે. હું રાધિકા વાળા ભાવેશભાઈને રૂબરૂ જઈને પૂછી આવ્યો છું… સંજયે પણ 18 લાખ રૂપિયા બહારથી વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ એ ભરે છે.
ચી- પાયલ….
હવે હું થાકી ગયો છું એટલે આ પગલું ભરી રહ્યો છું….
તું તો બેટા મોટા ઘરની દીકરી ખાનદાન ઘરની દીકરી.. બેટા તારા માવતર કોણ… તને અમારા પર એટલી બધી અરૂચી આવી ગઈ કે તે અમોને કહી દીધું કે તારે બંનેને જ્યાં જવું હોય ત્યાં જાવ મારા ઘરે નહીં….. અમારી એવી તો શું ભૂલ હતી કે તે અમને ઘરેથી કાઢી મૂક્યા…. ઠીક છે તે તને ગમ્યું તે ખરું… પણ ભોળાભાઈની દીકરી અમારી સાથે આવું વર્તન કરશે તેવો સપનેય ખ્યાલ નહોતો… જો મેહુલ તથા તેના વાઈફ તારા મા-બાપને એમ કહે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. તો તને કેવું થાય મારે તો દીકરી નથી અમે તો તને દીકરી જ ગણી હતી. આમારા નસીબમાં આવું લખેલું હશે.
મારે કોને ફરિયાદ કરવા જવું , તે જે સમયે અમારી સાથે કર્યું ત્યારે મને એમ થયું કે તું આમની દીકરી છે. તું મારા વિષે જે બોલી તે બે ઘડીક મારા માન્યામાં આવ્યું નહોતું…. મરતી વખતે હું ખોટું બોલીશ નહી, બસ ખૂબ ખૂબ સુખી થાવ.. તે જે જીવનમાં બૂલો કરી છે તે માટે તને દિલથી માફ કરું છું…. હું એક માણસ હતો બીજાની જેવો રાક્ષસ નહોતો.. ક્યારેક શાંતિથી વિચારજે જો તને તારી ભૂલ સમજાય તો સુખી થજો…
હું માવતર છું મારાથી કમાવતર ના થવાય ક્રીશને સાચવજે અને વધારે લખાઈ ગયું હોય તો માફ કરજે…